જેતપુરની સગીરાનું અપહરણ કરી ધોરાજીના સગીરે દુષ્કર્મ આચર્યું
- જેતપુરની સગીરા સાથે ધોરાજીના તરુણએ ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય મેળવી પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો : તરુણની મદદગારી કરનાર માતા-પિતા સામે પણ ગુનો નોંધ્યો
જેતપુરની સગીરાનું અપહરણ કરી ધોરાજીના સગીરે દુષ્કર્મ આચાર્યું હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સગીરા અને તરૂણી ઇન્સ્ટાગ્રામ થકી સંપર્કમાં આવ્યા હતા. આરોપી તરુણે સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયા બાદ જૂનાગઢ અને ધોરાજી ખાતે દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત આ ગુનામાં મદદગારી કરનાર આરોપી તરુણ અને તેના માતા-પિતાની પણ ધરપકડ કરાઈ છે.
વિગત મુજબ, જેતપુર ખાતે રહેતી સગીરાને ધોરાજીના સગીર સાથે સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ થકી સંપર્ક થયો હતો. બંને ચેટ કોલિંગ કરવા લાગ્યા હતા. બાદમાં સગીરે ભોગબનનારને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું.બંને થોડા દિવસ જૂનાગઢ રહ્યા હતા. ત્યાંથી સગીરના ઘરે ધોરાજી આવ્યા હતા.અહીં પણ તેવો થોડા દિવસ રહ્યા બાદ પોલીસને જાણ થતા પોલીસ સગીરના ઘરે પહોંચી હતી. જ્યાંથી સગીરાને મુક્ત કરાવી હતી. તેનું મેડિકલ ચેક અપ અને કાઉન્સિલિંગ કરાતા જૂનાગઢ ખાતે અને ધોરાજી ખાતે તરુણે ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે તરુણ ઘરે સગીરાને લાવ્યો ત્યારે તેના પિતા મહેન્દ્રભાઈ અને માતા વર્ષાબેને પોલીસને જાણ ન કરી બંનેને ઘરમાં આશરો આપ્યો હોય, જેથી તે બંનેને મદદગારીના આરોપસર પોલીસે અટકાયતમાં લીધા છે. આ અંગે જેતપુર સિટી પોલીસ મથકે પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.