માનસિક બિમાર વ્યકિતના રખેવાળ તેના વતી વીલ કરી શકે નહી: ગુજરાત હાઇકોર્ટ
વડોદરાનાં ચકચારી કિસ્સામાં હાઇકોર્ટે મૃતક મહિલાના રખેવાળે વિલ બનાવી ટ્રસ્ટમો રચના કરી હતી.
આપણા પરિવારોમાં વિલનું ઘણું મહત્વ રહેલું છે અને ઘરના મોભી કે અન્ય વડીલનું અવસાન થાય ત્યારે તે પોતાની મિલકત કોને આપે છે તે આ વીલમાં લખેલું હોય છે. આ બધા વ્યક્તિ માનસિક સ્વસ્થ હોય ત્યારે જ વિલ બનાવતા હોય છે પણ જો સંપતિનો માલિક માનસિક અસ્વસ્થ હોય તો તેનું વિલ બીજા કોઈ બનાવી શકે કે કેમ તે પ્રશ્ન હાલમાં જ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો પરંતુ હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, માનસિક બિમાર વ્યકિતના પાલક તેના વતી વીલ કરી શકે નહી.
ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે, માનસિક બિમાર વ્યકિત તરફથી તેના ગાર્ડિયન તેમની રીતે વીલ-વસિયત કરી શકે નહી. ગુજરાત હાઇકોર્ટે માનસિક બિમાર વ્યકિતના ગાર્ડિયન તરીકે નીમાયેલા અને તેના તરફથી વીલ કરનાર મેનેજરની અપીલ ફગાવતાં આ ચુકાદો આપ્યો હતો.જેમાં હાઈકોર્ટે માનસિક બિમાર વ્યકિતનો ઇરાદો અને અભિવ્યકિતની મર્યાદિતતાના મુદ્દાઓ ધ્યાનમાં લઈને આ ચુકાદો આપવામાં આવ્યો છે.
આ કેસની વિગત એવી છે કે, વડોદરાના પૂર્વ એડવોકેટ વિનાયક રાવ દેસાઈ તેમના માલિકની પુત્રી શ્રધ્ધા મજમુદારની કરોડો રૂપિયાની સંપત્તિની દેખરેખ રાખતા હતા. તેણી PHD સાથે લેકચરર થઈ હતી પરંતુ તે ક્રોનીક સીઝોફ્રેનિયાનો શિકાર બની હતી અને તેના સગાવ્હાલાઓએ પણ તેનાથી મોં ફેરવી લીધુ હતું, તેથી તેવા સંજોગોમાં વડોદરા ડિસ્ટ્રીક કોર્ટે એડવોકેટ દેસાઈને મજમુદારની કરોડો રૂપિયાની સંપત્તિની દેખરેખ માટે મેનેજર તરીકે નીમાયા હતા.બાદમાં દેસાઈએ સ્થાનિક જિલ્લા કલેકટરને મિલ્કતની દેખરેખની જવાબદારી સ્વીકારવા સૂચન કર્યું હતુ પરંતુ જિલ્લા કલેકટરે જવાબદારી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
દરમ્યાન મજમુદારના ભત્રીજાએ સિવિલ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જો કે, હાઇકોર્ટે સંપત્તિની દેખરેખ માટે મેનેજર તરીકે દેસાઈની નિયુક્તિને યથાર્થ ઠરાવી હતી. દરમ્યાન 2018માં 76 વર્ષની ઉમંરે મહિલાનું નિધન થઈ ગયુ હતું. જેને પગલે દેસાઈએ આ પ્રકારના માનસિક બિમાર વ્યકિતઓના કલ્યાણ અર્થે શ્રધ્ધાંજલિ મનોચિકિત્સક ટ્રસ્ટ બનાવ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે,શ્રધ્ધા મજમુદારની સંપત્તિ આ ટ્રસ્ટની કલ્યાણકારી પ્રવૃત્તિમાં ખર્ચ થાય. તેથી તેમણે 2016માં આ અંગેનું વીલ- વસિયતનામું બનાવ્યું હતુ અને વીલના પ્રોબેટ માટે કોર્ટમાં ગયા હતા.
જો કે,મજમુદાર વતી તેમના મેનેજર તરીકે વીલ બનાવવાના તેમના નિર્ણયને કોર્ટે ગેરકાયદે અને અયોગ્ય ઠરાવ્યો હતો. જે બાદ હાઈકોર્ટે પણ તેમની અરજી ફગાવતાં જણાવ્યું કે,વીલ એ કોઈપણ વ્યકિતનો તેના મૃત્યુ બાદ તેની મિલ્કતને લઈ સભાન અવસ્થામાં કરવામાં આવતો નિર્ણય છે.જે સભાન અવસ્થાનો માનસિક બિમાર વ્યકિતમાં અભાવ વર્તાય છે ત્યારે આવી માનસિક બિમાર વ્યકિત તરફથી તેના ગાર્ડિયન આ પ્રકારનું વીલ કરી શકે નહી.