લખનૌમા ઇમારત ધરાશાયી થતાં 4 ના મોત
અનેક લોકો કાટમાળ નીચે દબાયા હતા; 17 થી વધુ ઘાયલ
યુપીની રાજધાની લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં શનિવારે એક મોટી ઈમારત ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં અનેક લોકો દટાયા હતા. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા અને 17 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કમિશનરે 4 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. મૃત્યુ પામેલા બે લોકોના નામ પંકજ અને ધીરજ છે. આ ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની સાથે રાહત કાર્ય શરૂ કર્યું હતું.
જિલ્લા મેજિસ્ટ્રેટ સૂર્યપાલ ગંગવારે જણાવ્યું કે SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી. લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મોદી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી થવાના કારણે અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં યોગ્ય સારવાર માટે લઈ જવા સૂચના આપી હતી. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.