છત્તીસગઢમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર 28 વર્ષના પત્રકારની હત્યા
છત્તીસગઢમાં 120 કરોડના ખર્ચે નિર્માણાધિન રસ્તા ના પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારની કોલ ખોલનાર
બીજાપૂરના 28 વર્ષના યુવાન પત્રકાર મુકેશ ચંદ્રાકરની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને તેના ભાઈ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. એક યુવાન પત્રકારની હત્યાએ છત્તીસગઢને સ્તબ્ધ કરી દીધું હતું અને ખુદ મુખ્યમંત્રી વિષ્ણુ દેઓ સાઈ એ પણ ઘેરો આઘાત વ્યક્ત કરી હત્યારાઓને કડકમાં કડક સજા અપાવવાની ખાતરી આપી હતી.
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2024-12-12-at-4.58.18-PM-700x930-2.jpeg)
હત્યાનો ભોગ બનેલ મુકેશ ચંદ્રાકર એક સ્થાનિક ન્યુઝ ચેનલ સાથે જોડાયેલો હતો. તેણે બસ્તરમાં બની રહેલા રસ્તાના પ્રોજેક્ટ અંગે સંશોધન કરી અનેક ભ્રષ્ટાચારો ખુલ્લા પડ્યા હતા. તેની આ ઝુંબેશને કારણે સરકારે
કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકર સામે તપાસ શરૂ કરી હતી.
દરમિયાનમાં તારીખ પહેલી જાન્યુઆરીથી મુકેશ ચંદ્રાકર લાપતા બની ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કોન્ટ્રાક્ટર સુરેશ ના ભાઈ રિતેશે અન્ય એક કોન્ટ્રાક્ટર ના મકાન પર મિટિંગ માટે બોલાવ્યા બાદ તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. કંઈક અજુગતું બન્યા હોવાની આશંકા સાથે પત્રકારના મોટાભાઈ યુકેશે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ મુકેશનું છેલ્લું લોકેશન શોધી કાઢ્યું હતું અને એ તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રકારની મિલકતની સેપ્ટીક ટેન્ક માંથી તેની લાશ મળી આવી હતી. પોલીસે સુરેશ ચંદ્રાકરની હૈદરાબાદ થી અને તેના ભાઈ રિતેશ ની દિલ્હી માંથી ધરપકડ કરી હતી. લાશ સગેવગે કરવામાં મદદ કરનાર એક મજૂરની પણ પોલીસે ધરપકડ કરી હતી.
મુકેશની હત્યાના છત્તીસગઢમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પત્રકાર સંગઠનોએ ધરણા કરી અને મૃતકને ન્યાય અપાવવા તથા હત્યારાને ફાંસીની સજા આપવાની અને પત્રકારોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાની માંગણી કરી હતી.
CRPF કમાન્ડોને નકસલીઓની કેદ માંથી મુક્ત કરાવ્યા હતા
મુકેશ ચંદ્રાકરની ગણના એક નિડર પત્રકાર તરીકે થતી હતી. શરૂઆતમાં એક રાષ્ટ્રીય ચેનલ સાથે જોડાયા બાદ તેણે ‘ બસ્તર જંકશન ‘ નામે પોતાની youtube ચેનલ ચાલુ કરી હતી. તેના 1.59 લાખ સબ્સ્ક્રાઇબર છે. પોતાની ચેનલ ઉપર તેણે આદિવાસી સમુદાયની સમસ્યાઓને વાચા આપી હતી. વર્ષ 2021 માં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટર બાદ નકશાલીઓએ સીઆરપીએફના કમાન્ડો રાકેશ્વર સિંઘનું અપહરણ કરી બંધક બનાવ્યા હતા. તેની મુક્તિમાં મુકેશે મહત્વની ભૂમિકા ભજવી હતી અને તે બદલ પોલીસ તંત્ર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું.