જામનગર રોડ પર પોલીસની `કામગીરી’ વૉર્ડનના હાથમાં !!
ડીજીના પરિપત્રની રાજકોટમાં કોઈ જ અમલવારી નહીં ?
ગુજરાત પોલીસે ૨૨ નવેમ્બરે, રાજકોટ પોલીસે ૩૦ નવેમ્બરે સોશ્યલ મીડિયાના દરેક માધ્યમ મારફતે ટ્રાફિક વૉર્ડનની કામગીરી-ફરજ શું છે તેની વંચાય તેવી રીતે સવિસ્તૃત ચોખવટ કરી છતાં છડેચોક ઉલાળિયો
ચારથી પાંચ વૉર્ડન, એક કોન્સ્ટેબલ અને એક એએસઆઈએ જામનગર રોડ પર વાહન ચેકિંગ શરૂ કર્યું પણ વાહનો ઉભા રાખવા, ચાલક પાસે લાયસન્સ-પીયુસી માંગવા સહિતની દરેક પ્રકારની કામગીરી વૉર્ડન જ કરી રહ્યા હતા
વૉઈસ ઑફ ડે, રાજકોટ
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં ટ્રાફિક વૉર્ડનને લઈને દરરોજ અવનવા વિવાદો આવ્યે જ રાખતાં રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા વર્ષોથી ફરજ બજાવતાં ટ્રાફિક વૉર્ડનને છૂટા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ પછી વૉર્ડન દ્વારા આવેદનપત્ર આપવા ઉપરાંત ફેરવિચારણાની માગણી કરવામાં આવતા આખરે આ હુકમ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણય લેતા પહેલાં ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ દ્વારા મહત્ત્વની સ્પષ્ટતા કરીને ટ્રાફિક વૉર્ડનની આખરે કામગીરી શું હોય છે તેને લઈને સોશ્યલ મીડિયાના દરેક માધ્યમો ઉપર એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે વૉર્ડન ક્યારેય કોઈ વાહનને રોકી ન શકે કે ચાલક પાસેથી લાયસન્સ સહિતના પૂરાવા ન માંગી શકે પરંતુ આ નિયમની રાજકોટમાં કોઈ જ અસર ન હોય તેવી રીતે જામનગર રોડ પર ટ્રાફિક વૉર્ડન પોલીસની કામગીરી' કરી રહ્યા હોવાનું
વૉઈસ ઑફ ડે’ના કેમેરામાં ક્લિક થઈ ગયું હતું.
માધાપર ચોકડીથી થોડે જ દૂર ગુરૂવારે બપોરે ૧૨:૩૦થી ૧૨:૪૫ વાગ્યાના અરસામાં પોલીસની જીપ નં.જીજે૦૩-જીએ-૧૮૦૮માં ચાર વૉર્ડન, એક કોન્સ્ટેબલ અને એક એએસઆઈ કક્ષાના અધિકારી વાહન ચેકિંગમાં ગોઠવાઈ ગયા હતા. મોટાભાગે અહીંથી કાર અને મોટા મોટા ટ્રક પસાર થઈ રહ્યા હોય તેને અટકાવાઈ રહ્યા હતા. નિયમનું પાલન થાય છે કે નહીં તેની ખરાઈ કરવા માટે વાહનને ઉભું રાખવાનો પોલીસને પૂરેપૂરો અધિકાર છે પરંતુ આ અધિકારી માત્ર પોલીસને જ છે, ટ્રાફિક વૉર્ડનને બિલકુલ નહીં…આ સ્પષ્ટતા ખુદ ગુજરાત અને રાજકોટ પોલીસ કરી ચૂકી છે છતાં પોલીસની જગ્યાએ ટ્રાફિક વૉર્ડન જ દરેક વાહનને ઉભા રાખીને પૂછપરછ કરી રહ્યા હતા સાથે સાથે લાયસન્સ, પીયુસી સહિતના દસ્તાવેજો પણ માંગી રહ્યા હતા. ખાસ વાત એ રહી કે આટલો નિયમભંગ થઈ રહ્યો હોવા છતાં એએસઆઈ પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત જોવા મળ્યા હતા !! આ કાર્યવાહી ઘણો લાંબો સમય સુધી ચાલી હતી અને ત્યારબાદ તમામ જીપમાં બેસીને રવાના થઈ ગયા હતા.
હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે ગુજરાત અને રાજકોટ પોલીસે આ અંગેની સ્પષ્ટતા કરી હોવા છતાં તેનું પાલન કેમ થઈ રહ્યું નથી ? શું અહીંના વૉર્ડનને ડીસિપ્લીનમાં રહેવાની શીખ કોઈ નહીં આપતું હોય ? શું જીપ નંબરના આધારે વૉર્ડન તેમજ જવાબદાર પોલીસ સામે કાર્યવાહી થશે ?
શહેરના અનેક ચોકમાં ટ્રાફિક જામ, અહીં ચાર-ચાર વૉર્ડન ગોઠવાઈ ગયા !!
રાજકોટ અત્યારે ગજબની ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ પોઈન્ટ ઉપર ટ્રાફિક સંચાલન માટે પોલીસ અને વૉર્ડનની અછત છે. જામનગર રોડ પર વૉર્ડન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે એવું પણ બની શકે કે શહેરના અનેક ચોકમાં એ વેળાએ ટ્રાફિક જામ થઈ ગયો હોય પરંતુ એ બધાને પડતું મુકીને જામનગર રોડ કે જે હાઈ-વે છે ત્યાં ચારથી પાંચ વૉર્ડનને સાથે રાખવાનો મતલબ શું રહેશે ?