૩ નવા ક્રિમિનલ બિલમાં શું છે ? જુઓ
- દુષ્કર્મ પર કેટલી સજા ?
- મોબ લીનચિંગ માટે કેટલી સજા ?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યા હતા અને તેની ચર્ચા પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે, મૉબ લિંચિંગ પર ફાસી આપવામાં આવશે. સગીરા સાથે દુષ્કર્મ બદલ આજીવન કેદ અથવા ફાંસીની જોગવાઈ થઈ છે.
એજ રીતે હીટ ઍન્ડ રન કેસમાં ૧૦ વર્ષની સજાની જોગવાઈ થઈ છે. ૧૫૦ વર્ષ જૂના ૩ કાયદામાં મોટા ફેરફાર કરાયા છે. અપરાધિક કાયદામાં આતંકવાદનો સમાવેશ કરાયો છે અને મોદી સરકાર આતંકવાદની વ્યાખ્યા નક્કી કરી રહી છે. આતંકવાદ બદલ સખત સજા થશે.
શાહે કહ્યું કે નવા બિલ થકી દંડ આધારિત નહીં ન્યાય આધારિત સિસ્ટમ આપવામાં આવશે. દેશમાં એક જ પ્રકારની ન્યાય સિસ્ટમ લાગુ થશે. કોઇની પણ ધરપકડ થાય તો પોલીસ સ્ટેશનને તરત જ માહિતગાર કરવું પડશે. પોલીસની જવાબદારી નક્કી કરાશે. સીઆરપીસી અને આઇપીસીના સ્થાને ૩ નવા કાનૂન લોકોને સાચો ન્યાય આપશે. ૩ નવા બિલ ચોમાસા સત્રમાં રજૂ થયા હતા અને હવે તેમાં વ્યાપક સુધારા સાથે રજૂ કરાયા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ ત્રણેય બિલો પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને તેને બનાવતા પહેલા 158 કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પહેલા સીઆરપીસીમાં 484 કલમ હતી જેમાં હવે 531 કલમો હશે, 177 કલમોમાં બદલાવ કર્યો છે જ્યારે 39 નવી પેટા કલમો અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.
અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કરતા સમયે ક્હ્યું હતું કે ભારત સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે જેમાં હવે નવા કાયદામાં રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે. મૉબ લિંચિંગના નવા કાયદામાં મૃત્યુદંડની જોગવાઈ છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ કાયદા વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર, દરેક સાથે સમાન અધિકારો પર કાયદા બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ વખત આપણા બંધારણની ભાવના મુજબ કાયદો બનવા જઈ રહ્યો છે.