આરોગ્ય મંત્રીએ વરિષ્ઠ નાગરિકો અંગે શું કહ્યું ? જુઓ
70 કે તેથી વધુની વયના લોકોને આરોગ્ય વીમા કવર આપશે: આરોગ્ય મંત્રી નડ્ડાએ સમીક્ષા કરી ; 100 દિવસના એજન્ડા પર ચર્ચા; પીએમ જન આરોગ્ય યોજના વિસ્તરશે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
કેન્દ્રમાં નવી મોદી-3 સરકારની રચના અને નવા મંત્રીઓના પોર્ટફોલિયોની વહેંચણી બાદ હવે આગળનું ધ્યાન પ્રથમ 100 દિવસના એજન્ડા પર છે. આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ વિભાગની પ્રાથમિકતાઓને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાને વિસ્તારવા પર ભાર મૂક્યો હતો. મોદી-3 સરકાર વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે તેવો સંકેત મળ્યો છે.
નવી સરકારના 100 દિવસના એજન્ડા હેઠળ આરોગ્ય મંત્રીએ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય વીમા કવરેજ આપવા પર ભાર મૂક્યો હતો. આ સાથે આરોગ્ય મંત્રીએ રસીકરણથી લઈને હેલ્થ ઈમરજન્સી રિસ્પોન્સ મેનેજમેન્ટ સુધી દરેક બાબતમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.
મોદી -3 ની નવી સરકારના પ્રથમ 100 દિવસની પ્રાથમિકતાઓ નક્કી કરવા અને વિભાગ માટે લક્ષ્યાંક નક્કી કરવા માટે આરોગ્ય પ્રધાને વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજી હતી. તેમની સાથે રાજ્યકક્ષાના મંત્રી અનુપ્રિયા પટેલ અને પ્રતાપરાવ જાધવ પણ હાજર રહ્યા હતા.
આરોગ્ય મંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય પ્રણાલીની ગુણવત્તા પર વિશેષ ભાર આપવામાં આવે. આ સાથે મંત્રીએ જીવનશૈલી સંબંધિત રોગોના વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તંદુરસ્ત આહાર અને જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ. વિભાગના નિવેદન અનુસાર, મંત્રીએ યુવાનોમાં તમાકુની અસરોને રોકવા માટે ખાસ કરીને તેમના પર કેન્દ્રિત અભિયાન ચલાવવાની પણ વાત કરી.
આ ઉપરાંત, રોગ નિવારણ સંબંધિત ઝુંબેશ અને રસીકરણ અને આરોગ્ય કટોકટીની પ્રતિક્રિયા જેવા કાર્યક્રમોના સંચાલનને વધુ અસરકારક બનાવવા ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.