ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવા રાઉતની માગણી
મહા વિકાસ અઘાડીમાં મતભેદો સપાટી પર
મારા સમાયોજનારી ધારાસભાની ચૂંટણી પહેલા મહા વિકાસ અઘાડીના ઘટક પક્ષોમાં મુખ્યમંત્રી પદ માટે હરીફાઈ સર્જાઇ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર) એ મુખ્યમંત્રીના ચહેરા વગર જ ચૂંટણી લડવાનો મત પ્રદર્શિત કર્યો છે ત્યારે શિવસેના (ઠાકરે)ના પ્રવક્તા સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેને જ મુખ્યમંત્રી તરીકે રજૂ કરવાની માગણી કરતા વિવાદના મંડાણ થયા છે.
દિલ્હી ખાતે પત્રકારોને સંબોધતા સંજય રાઉતે કહ્યું કે,” મુખ્યમંત્રીના ચેહરા વગર ચૂંટણીમાં જવું એ ખતરનાક સાબિત થઈ શકે છે. મહારાષ્ટ્રએ ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદ હેઠળની મહા વિકાસ અઘાડી સરકારનું કામ જોયું છે. લોકસભામાં પણ ઉદ્ધવ ઠાકરેના ચહેરાને કારણે મહા વિકાસ અઘાડીને બહુમતી મળી હતી એટલે મુખ્યમંત્રીના ચેહરા વગર લોકો મહા વિકાસ અઘાડીને સ્વીકારશે નહીં.”
તેમના આ નિવેદનના ઘેરા પડઘા પડ્યા હતા. કોંગ્રેસના સિનિયર નેતા બાલા સાહેબ ઠાકોરે કહ્યું કે આ અંગે હું અત્યારે કંઈ કહેવા માગતો નથી. આ મુદ્દે બધા પક્ષો દ્વારા સાથે બેસી અને ચર્ચા કરવામાં આવશે.
બીજી તરફ એનસીપી (શરદ પવાર ) ના પ્રવક્તાએ પણ સંજય રાઉતના આ નિવેદન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. શરદ પવારના પૌત્ર અને ધારાસભ્ય રોહિત પવારે કહ્યું ,” શરદ પવાર આ મુદ્દે સંજય રાવત ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ સાથે વાત કરશે અને કઈ રીતે આગળ વધવું તે નક્કી કરશે. આ જંગ મુખ્યમંત્રીના ચહેરા માટેનો નહીં પણ રાજ્ય અને રાજ્યના લોકોના ગૌરવ માટેનો છે”
ઠાકરે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું
આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ગોળ ગોળ જવાબ આપતાં કહ્યું,” પહેલા શાસક મહાયુતીને એ નક્કી કરવા દ્યો કે કયો ચહેરો તેમની નિષ્ફળતા માટે જવાબદાર હતો? અમે અમારા મુખ્યમંત્રીનો ચહેરો યોગ્ય સમયે રજુ કરશું અમારા ગઠબંધનમાં સૌથી મોટો ચહેરો મહારાષ્ટ્ર રાજ્ય છે.”