ભારતમાં અનેક ક્ષેત્રોમાં જોરદાર પ્રગતિ થઈ રહી છે અને વિશ્વ આખું અત્યારે ભારતમાં બનતી ચીજો મોટા પ્રમાણમાં મેળવી રહ્યું છે. દેશમાં મોબાઈલ ફોનના વેંચાણમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે ઉત્પાદન પણ સતત વધી રહ્યું છે ત્યારે હવે ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બની ગયો છે. ભારત સરકારના આંકડાઓ મુજબ આ વર્ષે મોબાઈલ ફોનની નિકાસ લગભગ 90 હજાર કરોડ રૂપિયાથી વધુ હતી જે એક રેકોર્ડ છે.
ભારત સરકારે એપ્રિલ 2020માં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ઘટકોને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ શરુ કરવામાં આવી હતી. આ સ્કીમને કારણે ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન જેવી વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન કંપનીઓએ તેમના સપ્લાયર્સ ભારતમાં શિફ્ટ કર્યા છે.
આ કારણે ભારતમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. CMAIના અધ્યક્ષ એનકે ગોયલે કહ્યું કે Apple iPhoneએ આજે ભારતમાં મોબાઈલ હેન્ડસેટ બનાવવાનું વિશ્વનું સૌથી મોટું નામ છે. Apple માટે 3 કંપનીઓ મોબાઈલ ફોન બનાવી રહી છે.
આ સિવાય સેમસંગની દુનિયામાં સૌથી મોટી ફેક્ટરી ભારતમાં છે. આ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ ભારતમાં મોબાઈલ હેન્ડસેટનું ઉત્પાદન કરી રહી છે. આ ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણ વધવાથી ભારત વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમમાં જોડાઈ ગયું છે અને તેના કારણે ભારત વૈશ્વિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે.