ગૂગલ ડ્રાઈવમાંથી અનેક યૂઝર્સનો ડેટા ગાયબ: કંપની દ્વારા તપાસ
ગુગલ ડ્રાઈવ ઉપરથી અનેક યુઝર્સનો ડેટા ગાયબ થઈ ગયો છે.
દુનિયાભરમાં સૌથી લોકપ્રિય ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ છે ગૂગલ ડ્રાઈવ. દરરોજ કરોડો લોકો આનો ઉપયોગ કરે છે. ગૂગલ કંપનીની જીમેલ સેવાનો વપરાશ કરતા મોટા ભાગના યૂઝર્સનો ડેટા અને ફાઈલ્સ ગૂગલ ડ્રાઈવ પર સ્ટોર કરવામાં આવ્યા છે. લોકોનું માનવું છે કે ક્લાઉડ સ્ટોરેજમાં અને તે પણ ગૂગલ ડ્રાઈવ પર ડેટા અને ફાઈલ્સનો સંગ્રહ કરવો ખૂબ સુરક્ષિત છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે એને આસાનીથી એક્સેસ પણ કરી શકાય છે. પરંતુ અમુક ગૂગલ ડ્રાઈવ યૂઝર્સની ફરિયાદ છે કે એમની અંગત ફાઈલ્સ અચાનક ગાયબ થઈ ગઈ છે.
ગૂગલ કમ્યુનિટી સપોર્ટ સાઈટ પર એક યૂઝરે રિપોર્ટ કર્યો છે કે એણે ગયા મે મહિનાથી અત્યાર સુધીમાં સંઘરેલો બધો ડેટા ગાયબ થઈ ગયો છે. એની ડ્રાઈવ મે, 2023 પૂર્વેની સ્થિતિમાં પાછી આવી ગઈ છે. મે મહિનાથી લઈને આજ સુધીનો ડેટા ગાયબ છે. ફોલ્ડર સ્ટ્રક્ચર મે મહિના પૂર્વેના સ્ટેટસ પર પાછું આવી ગયું છે.
ટેક્નોલોજી ક્ષેત્રમાં અમેરિકાની વિશ્વવિખ્યાત ગૂગલ કંપનીએ આ સમસ્યાનો સ્વીકાર કર્યો છે અને નવા ગૂગલ કમ્યુનિટી સપોર્ટ થ્રેડમાં લખ્યું છે કે, ‘ડેસ્કટોપ યૂઝર્સના જૂજ લોકોને નડેલી સમસ્યાની અમે તપાસ કરી રહ્યા છીએ અને વધુ અપડેટ્સ સાથે ફોલો-અપ કરીશું.’
ગૂગલ કંપનીએ એ પણ નોંધ લીધી છે કે ગૂગલ ડ્રાઈવ ડેસ્કટોપ વર્ઝન 84.0.0.0 થી લઈને 84.0.4.0 માં સિન્ક્રોનાઈઝ બાબતે કંઈક સમસ્યા થઈ છે. યૂઝરનું કહેવું છે કે ગૂગલની સપોર્ટ ટીમે એને ડેટા રીકવરી પ્રોસેસ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું જેથી ડેટા રીસ્ટોર થઈ શકે, પરંતુ એમાં સફળતા મળી નથી.
ગૂગલ ડ્રાઈવ ટીમના એક સભ્યએ યૂઝર્સ જોગ ચેતવણી રૂપે સલાહ આપી છે કે ડેસ્કટોપ માટેની ગૂગલ ડ્રાઈવના યૂઝર્સે ‘ડિસકનેક્ટ એકાઉન્ટ’ પર ક્લિક કરવું નહીં.