પંચમહાલમાં 10 ઈંચ, દાહોદમાં 6 જ્યારે લુણાવાડામાં 8 ઇંચ વરસાદ
અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
વૃક્ષ ધરાશાયી થતાં અનેક રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો
બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. અમદાવાદમાં વરસાદી માહોલની જમાવટ થઇ છે અને આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ પંચમહાલ, દાહોદ, લુણાવાડા સહિતના વિસ્તારોમાં ૬ થી ૧૦ ઇંચ સુધી વરસાદ પડી ગયો છે અને હવામાન ખાતાએ હજુ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે.
અમદાવાદમાં તો વરસાદના કારણે મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો આ ઉપરાંત વાસણા બેરેજના ૬ દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ વરસાદને લીધે રસ્તાઓ પણ પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જિલ્લામાં તમામ શાળા-કોલેજો અને ITI બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
મોરવાહડફમાં 10 ઇંચ અને લુણાવાડામાં 8 ઇંચ વરસાદ
છેલ્લા 24 કલાકથી પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મોરવાહડફમાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે દાહોદ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે.
હડફ નદીમાં ઘોડાપૂર, 6 ગામોને એલર્ટ કરાયા
પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસાદ પડતા મોરવા હડફ તાલુકાનો હરફ ડેમ છલોલછલ ભરાયો છે. ડેમમાં જળસ્તર 166.20 મીટરની ભયજનક સપાટીએ પહોંચ્યું છે. હડફ ડેમમાં હાલ 43.52 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. રૂલ લેવલ જાળવવા ડેમના તમામ 5 દરવાજા ખોલીને 43.68 હજાર ક્યુસેક પાણી નદી હડફ નદીમાં થોડવામાં આવ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠાના 6 ગામોને એલર્ટ કરાયા છે. હડફ નદીમાં ઘોડાપૂરને લઈને માતરિયાનો કોઝ વે બંધ કરાયો છે.
વૃક્ષ ધરાશાયી થતાં વાહનોની લાઇન લાગી
મોરવાહડફમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધારે વરસાદ પડતા મોરવાહડફ અને સંતરોડને જોડતા માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં અનેક રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો છે. વૃક્ષો ધરાશાયી થતાં 1 કિમી જેટલી વાહનોની લાઇન લાગી છે. ડાંગરીયા પાસે ધરાશાયી વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
લુણાવાડાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં 8 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. લુણાવાડાની એકતા શાંતિનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. જ્યારે બાલાસિનોર તાલુકાના ધુંધલિયા ગામમાં પણ પાણી ઘૂસ્યું છે. ગામમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના વિરપુર તાલુકાની લાવેરી નદી ગાંડીતૂર બની છે. વિરપુરની લાવેરી નદી બે કાંઠે થતાં 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. મુવાડા, જમિયતપુરા, રતનકૂવા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ધવડીયા, મેમુદપુરા ગામ જવાનો રસ્તો પણ બંધ થયો છે.
હેલિકોપ્ટરની મદદથી ૪ ને બચાવાયા
દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ વધુ ખરાબ છે. અહીની દૂધમતિ નદી બે કાંઠે વહેતા મંદિરમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના વિવિધ મંદિરો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વનખંડી, ઓમરાકેશ્વર સાંઈ ધામ મંદિરમાં પાણી ભરાઇ જતાં મંદિરને શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું હતું.દાહોદ જિલ્લામાં દેવગઢબારીયાના ઉંચવાણમાં પાનમ નદીમાં પણ ચાર લોકો ફસાયા હતા. હેલિકોપ્ટરની મદદથી ચાર લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાબડતોબ રેસક્યુ માટેની કામગીરી હાથ ઘરી હતી.
ત્રણ દિવસની આગાહી
આજે 18 સપ્ટેમ્બરે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.