ખોડલધામમાં નારી શક્તિને પ્રાધાન્ય: પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ બન્યા ખોડલધામ સંગઠનના પ્રથમ પ્રમુખ
લેઉવા પાટીદાર સમાજના આસ્થા અને સંગઠનના પ્રતિક એવા ખોડલધામ કાગવડ ખાતે આજે મળેલી ખોડલધામ સંગઠન ક્નવીનર મીટમાં ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલની વરણી કરાઈ છે. નિમણૂંકથી ખોડલધામમાં સામાજિક સંગઠન અને નારી શક્તિ વધુ મજબૂત બનશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. નવનિયુક્ત પ્રથમ પ્રમુખ અનાર પટેલે કહ્યું કે, ચેરમેન નરેશભાઈ પટેલની ટીકા નહીં ટેકો આપવાના નિર્ધાર સાથે સંગઠનને સકારાત્મક દિશામાં સામાજિક પ્રગતિના સંકલ્પ સાથે વધુ મજબૂત બનાવવાનું છે. ખોડલધામ ઝોન વાઈઝ ક્નવીનરો કે નવા હોદ્દેદારોની વરણી સાથે જવાબદારી સોંપાઈ હતી.
ખોડલધામ કાગવડ ખાતેની ક્નવીનર મીટમાં રાજ્યભરમાંથી ઝોન અધ્યક્ષથી લઈ ગ્રામ વિસ્તારો સુધીના તેમજ વોર્ડના ક્નવીનરો, હોદ્દેદારો હાજર રહ્યા હતા. ચેરમેન નરેશભાઇ પટેલે ઉદ્બોધનમાં કહ્યું કે, સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અનારબેનને રાજ્યના સંગઠન અધ્યક્ષ બનાવાયા છે. ખોડલધામ સંગઠનને લગતી જવાબદારી હવે અનારબેન સંભાળશે. ખોડલધામ એક વિચાર છે અને વિચાર હંમેશા ચાલતો રહેશે. છેવાડાના ભાઈ-બહેન સુધી પહોંચીને મદદરૂપ થવાનો ધ્યેય છે.
અધ્યક્ષની નવી જવાબદારી સંભાળનાર અનાર પટેલે કહ્યું હતું કે, સંગઠનની ઈમારતની ઇંટ બનવાની તક મળી છે. સંગઠનમાં નવા લોકોને જોડશું, નવું ભવિષ્ય ઉભું કરવાના ટીમ સાથે પ્રયત્નો કરશું. હુંપણાનો ભાવ રાખવો જોઈએ નહીં, આપણે સંગઠિત થઈ શું તો જ ઈતિહાસ રચાશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પાટણના સંડેરમાં બની રહ્યું છે અને અમદાવાદ, સુરતમાં ખોડલધામ મંદિર સંકૂલ બનશે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તમેજ હરિદ્વારમાં અતિથિ ભવનનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે ક્નવીનર મીટમાં ચેરમેન નરેશ પટેલ દ્વારા કરાઈ હતી. સાથે સાથે ખોડલધામ ઝોનના અધ્યક્ષો અને ક્નવીનરોને નિમણૂંક સાથે પત્ર અપાયા હતા.
આ પણ વાંચો :અમે સેફ નથી… ICCના અલ્ટીમેટમ પછી BCB ચીફ બુલબુલનું નિવેદન, ‘અમે ભારતની બહાર T20 વર્લ્ડ કપ રમીશું’
ખોડલધામમાં નારી શક્તિને પ્રાધાન્ય
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા મહિલા સશક્તિકરણની માફક નારી શક્તિને પ્રાધાન્ય અપાયું છે. રાજ્યના ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલની નિમણૂંક થઈ છે. સાથે ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે અમરેલીના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના પુત્રી જૈનીબેનની વરણી થઈ છે. આ ઉપરાંત જેતપુરના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ સહિતની પણ ખોડલધામમાં સક્રિય ભૂમિકા છે.
