રાજકોટમાં મૃત પતિની સંપત્તિ હડપવા મહિલાનું કૌભાંડ: પ્રથમ પત્નીના સંતાનને મિલકત ન મળે માટે બોગસ વસિયતનામું બનાવ્યું
રાજકોટમાં મૃત પતિની સંપત્તિ હડપવા માટે મહિલાએ કૌભાંડ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પુત્ર પ્રેમમાં આંધળી અને લાલચુ મહિલાએ પતિનાં અવસાન બાદ તેની મિલકત પ્રથમ પત્નીના સંતાનને ન મળે તે માટે બોગસ વસિયતનામું ઊભું કર્યું હતું જો કે, તપાસમાં આધારકાર્ડમાં ખોટી સહી અને બનાવટી દસ્તાવેજો ઉપયોગ કરી કોર્ટને પણ છેતરવાનો પ્રયાસ કર્યો હોવાનો ભાંડો ફુટતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો મુજબ, 150 ફૂટ રીંગ રોડ મવડી મેઈન રોડ પર પૂનમ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ માધાભાઈ ખાત્રાણી (ઉંમર 52) દ્વારા આરોપી તરીકે બનેવી વિનોદભાઈની બીજી પત્ની મધુ ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેઓ બે ભાઈ છે બહેન ન હોવાથી કાકાની દીકરી ગણેશ હરજીભાઈ ખાત્રાણીની પુત્રી મધુને (માનેલી બહેન) બહેન બનાવી હતી. તેના લગ્ન 1998માં વિનોદ ભંડેરી સાથે થયા હતા. લગ્નના દરમિયાન તેઓને સંતાનમાં એક દીકરી હર્ષિતાનો જન્મ થયો હતા. વર્ષ 2008માં વિનોદભાઈની પ્રથમ પત્ની (મનસુખભાઈની માનેલી બહેન) મધુનું અવસાન થયું હતું.
આ પણ વાંચો :અમદાવાદ રોડથી મોરબી રોડ સુધીના રસ્તાને ફોર-લેન બનાવવામાં આવશે : ‘રૂડા’ની બોર્ડ બેઠકમાં 98.45 કરોડ મંજૂર
જે બાદ વિનોદભાઈએ મધુબેન ઉર્ફે નીકીતાબેન ઉર્ફે અરુણાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. મધુબેન અગાઉના લગ્નથી થયેલ પુત્ર તીલકને સાથે લઈને આવ્યા હતા. જો કે આરોપી મહિલા પતિની પ્રથમ પુત્રીને સાચવતી ન હોય જેથી તે તેના મામા સાથે રહેતી હતી. દરમિયાન વર્ષ 2022માં વિનોદભાઈનું અવસાન થયું હતો જે બાદ એપ્રિલ 2024માં મનસુખભાઈને એક નોટિસ મળી હતી. જેમાં વર્ષ 2017નું એક વસીયતનામું હતું. આ વસીયતનામા મુજબ વિનોદભાઈએ પોતાની તમામ મિલકત મધુબેનના પુત્ર તીલકના નામે કરી દીધી હોવાનો ઉલ્લેખ હતો. આ દસ્તાવેજમાં મનસુખભાઈના આધારકાર્ડની નકલ જોડી તેમાં તેમની નકલી સહી કરવામાં આવી હતી અને તેમને સાક્ષી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.મનસુખભાઈએ આ બાબતે શંકા જતાં માલવીયા નગર પોલીસમાં અરજી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વસીયતનામું અમદાવાદના નોટરી અબુજરભાઈ ઉજ્જૈનીના નામે તૈયાર કરાયું હતું. નોટરી અબુજરભાઈનું 02/04/2022 અવસાન થયું હતું. નોટરીના પત્ની મહેરાજબેને પુષ્ટિ કરી હતી કે રજિસ્ટરમાં 2017માં આવી કોઈ એન્ટ્રી નથી અને તેમના પતિના સિક્કા તથા સહીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
આરોપી મધુબેને આ બનાવટી વસીયતનામું સાચું હોવાનું જણાવી રાજકોટ સેસન્સ કોર્ટમાં પ્રોબેટ મેળવવા માટે પણ રજૂ કર્યું હતું.જેથી ફરિયાદીએ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી તપાસના અંતે, છેતરિંપડી અને વિશ્વાસઘાતનું કૃત્ય સાબિત થતા પોલીસે આરોપી મધુબેન ઉર્ફે નીકીતાબેન ઉર્ફે અરુણાબેન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
