- વિદ્યાર્થીએ આવીને ધમકાવતાં કહ્યું, ‘કાલે તારા મમ્મીને બોલાવીને આવજે’
- હોસ્પિટલના ડાયરેક્ટર સહિતના સામે ફરિયાદની તપાસ કરવા રચાયેલી કમિટી `ઘર’ની જ હોવાનો આક્ષેપ
- એઈમ્સના જવાબદારો થઈ ગયા `સંપર્કવિહોણા’: તપાસ કરનારી કમિટી ડાયરેક્ટરના તાબા હેઠળ કામ કરતા હોવાથી કઈ રીતે તટસ્થ તપાસ કરશે ?
- કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરાઈ: પોલીસે મહિલા ડૉક્ટરનું નિવેદન નોંધ્યું
ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલમાં સખળ-ડખળ બંધ થવાનું નામ જ લઈ રહી ન હોય તેવી રીતે `હિટલર’ જેવું વર્તન કરાયાના આક્ષેપ સાથે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરી ઉપરી અધિકારીઓ સામે પડેલા મહિલા ડૉક્ટરના પુત્રને હવે ધમકીઓ આપવાનું શરૂ થઈ ગયાની રાવ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં કરવામાં આવી છે. મહિલા ડૉક્ટરનો પુત્ર પ્રતિષ્ઠિત રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરે છે ત્યાં એક અન્ય વિદ્યાર્થીએ તેની પાસે આવીને `કાલે તારા મમ્મીને બોલાવીને આવજે’ તેમ કહીને ધમકાવ્યો હોવાનો આક્ષેપ કરતાં ચકચાર મચી છે.
આ સાથે જ મહિલા ડૉક્ટર ડૉ.વંદિતા યોગેન્દ્રસિંઘ (ઉ.વ.૪૫)એ જિલ્લા કલેક્ટરને સંબોધીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે જેમની સામે આક્ષેપો કર્યા છે તેમાં એઈમ્સના ડાયરેક્ટર ચંદન કટોચ, વહીવટી ઓફિસર જયદેવ વાળા ઉપરાંત ડિન સંજય ગુપ્તા અને ડૉ.અશ્વિની અગ્રવાલનો સમાવેશ થાય છે. ફરિયાદ બાદ આક્ષેપોની તપાસ કરવા માટે ઈન્ટરનલી કમ્પલેન્ટ કમિટી (આઈસીસી)ની રચના કરવામાં આવી હતી તેમાં સામેલ તપાસ લોકો ઉપરોક્ત અધિકારીઓના જુનિયર હોવાથી તેઓ કઈ રીતે તટસ્થ તપાસ કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે !
દરમિયાન એઈમ્સ હોસ્પિટલના તમામ જવાબદારો પણ સંપર્કવિહોણા થઈ જતાં મહિલા ડૉક્ટરના આક્ષેપોમાં ક્યાંક તથ્ય હોવાનો ગણગણાટ પણ ચાલી રહ્યો છે. તપાસ સમિતિમાં ડૉ.સિમ્મી મેહરા સહિતના ત્રણ અધિકારીઓ સામેલ છે જે બિલકુલ તટસ્થ તપાસ કરવા માટે સક્ષમ ન હોવાનું ભારપૂર્વક જણાવ્યું છે. અગાઉ પણ મહિલાએ ફરિયાદ કરી હતી પરંતુ તેની ફરિયાદ ધ્યાન પર લેવામાં આવી ન્હોતી. હવે કલેક્ટર અથવા રાજ્ય કક્ષાના વહીવટી તંત્ર દ્વારા જ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકશે અન્યથા અહીં મહિલાઓ હેરાનગતિ અનુભવતી જ રહેશે.
એઈમ્સના જવાબદારો છેલ્લી પાયરીએ ઉતર્યા ! મહિલા તબીબ સામે ફરિયાદ કરવા દબાણ
એઈમ્સ જેવી પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં જાણે કે રાજકારણ `ઘર’ કરી ગયું હોય તેમ પોતાના દામન પર દાગ ન લાગે તે માટે એઈમ્સના જવાબદારો જ છેલ્લી પાયરીએ ઉતરી ગયા હોય તેવી રીતે હોસ્પિટલના ડૉક્ટરો તેમજ સ્ટાફને મહિલા તબીબ સામે ફરિયાદ કરવા માટે દબાણ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. જો આ આક્ષેપો સાચા હોય તો ખરેખર સરકારે આ મામલે દખલગીરી કરવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ.
અમે મહિલાનું નિવેદન લઈને કમિટીને આપી દીધું છે: પીઆઈ કરપડા
મહિલા ડૉક્ટર વંદિતાએ પોલીસ કમિશનરને કરેલી ફરિયાદ બાદ ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા તેમનું નિવેદન નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે પીઆઈ કે.જે.કરપડાનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે અમે મહિલાનું નિવેદન લઈને કમિટીને આપી દીધું છે. હવે આ નિવેદનના આધારે કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ આવી ગયા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરાશે.