આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે કે ઘટશે ?? હવામાન વિભાગે કરી આગાહી, જાણો તાપમાનમાં શું ફેરફાર આવશે
માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સૂરજદાદા ગરમીનો પ્રકોપ વરસાવી રહ્યા હતા. સખત તાપ અને ઉકળાટને લીધે લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં થોડી રાહત મળી છે અને ગઈકાલ સાંજથી ઠંડો પવન પણ શરૂ થયો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે કે ઘટાડો થશે તેને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે નવી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈ રાહતની આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરમીનું જોર ઘટશે. તેમજ ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને કચ્છમાં 36 ડિગ્રી તાપમાન રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે. જ્યારે જૂનાગઢમાં 34 થી 36 ડિગ્રી વચ્ચે તાપમાન રહે તેવી સંભાવના છે.
તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય ?
હવામાન વિભાગની ગરમીને લઈ આગાહી કરી છે કે, હાલ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો રહેશે. જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
ગરમીમાં લુથી બચવા આટલી તકેદારી અવશ્ય રાખવી
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.