‘પાછળ કેમ આવે છે?’ પૂછતાં જ છરી ઝીંકી દીધી : રાજકોટમાં સામાન્ય બાબતે 2 શખ્સો વચ્ચે બોલી ગઈ બઘડાટી
રાજકોટમાં હવે સામાન્ય બાબતે છરી ઝીંકી દેવી રોજિંદી વાત બની ગઈ હોય તેવી રીતે દરરોજ આવો કોઈને કોઈ બનાવ પોલીસ ચોપડે નોંધાયા વગર રહેતો નથી. આવા વધુ એક કિસ્સામાં “પાછળ કેમ આવે છે’ તેવું પૂછતાં જ છરી ઝીકી દેતા ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો.
આ પણ વાંચો : બબ્બે પ્રયાસ છતાં ‘રાજકોટ મહાનગરપાલિના ‘બાબુ’ઓને જમાડવા કોઈ નક્કી થતું નથી! નવેસરથી ટેન્ડર પ્રસિદ્ધ
આ અંગે અજય રામજીભાઈ ડાભી (ઉ.વ.29)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે તેની ગાડી લઈને શ્રદ્ધા પાર્ક પાસે આવેલા ડી-માર્ટમાં ખરીદી કરવા માટે ગયો હતો. આ વેળાએ ગાડીની આજુબાજુમાં રાજ ઉર્ફે રાજેશ નાથાભાઈ ડાંગર કે જે અજયના ઘરની બાજુમાં જ રહે છે તે ચક્કર મારતો હતો. આ પછી અજય ડાભી તેની કાર લઈને ઘર પાસે આવેલી શેરીના ખૂણે ગાડીમાંબેઠો હતો ત્યારે રાજેશ ઉર્ફે રાજેશ નાથાભાઈ હાથમાં પાઈપ લઈને ધસી આવ્યો હતો અજયે કહ્યું હતું કે તું મારી પાછળ પાછળ કેમ આવે છે ? આ સાંભળી રાજ ઉર્ફે રાજેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડવા લાગ્યો હતો. જો કે અજયના માતાએ રાજના હાથમાં પાઈપ લઈ લેતાં રાજની સાથે રહેલાં અજાણ્યા શખસે અજયને પકડી લીધો હતો. આ વેળાએ રાજે નેફામાંથી છરી કાઢી અજયને મારી દેતાં લોહી નીકળતી હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો.
આ પણ વાંચો : પ્રજાજનો માટે ‘સુખદેણ’ અને ગુનેગારો માટે ‘સિંહ’ એવા સુખદેવસિંહ ઝાલાની ચીર વિદાય : શાસ્ત્રોક્ત વિધિથી કરાયા અંતિમસંસ્કાર
આ પછી ભક્તિનગર પોલીસે રાજ ઉર્ફે રાજેશને સકંજામાં લઈ પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે તે અને ફરિયાદી અજય બન્ને આજુબાજુમાં જ રહે છે. બનાવ સમયે અજય કારમાં જઈ રહ્યો હતો ત્યારે હું તેની પાછળ એ જોવા ગયો હતો કે કારમાં કોઈ છે કે નહીં ? જો કે અજય તેને જોઈ જતા બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી.