કાલે કમલમમાં કોની-કોની બેઠક થશે ! વાંચો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બેઠકમા રહેશે હાજર
- લોકસભાની ચૂંટણી અંતર્ગત પેજ સમિતિની કામગીરી સહિતના મુદ્દે થશે ચર્ચા
દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તૈયારી આદરી છે. આ તરફ હવે ગુજરાત ભાજપે મિશન 2024 ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. કમલમ ખાતે મળનારી આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે.
પ્રાપ્ત વિગતો મુજબ 12-12-2023ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ કાર્યાલય ખાતે મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે. મહત્વનું છે કે, ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત બાદ હવે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપના નેતાઓ પણ સક્રિય થઇ ગયા છે. લોકસભાની ચૂંટણીના ભાગરૂપે યોજાનાર આ બેઠકમાં પેજ સમિતિની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા થશે.