‘ઓપરેશન સિંદૂર’ ની કહાની કહેનાર લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી કોણ છે ? જાણો તેમનું ગુજરાત સાથેનું કનેક્શન
22 એપ્રિલ 2025નો એ દિવસ જે ભારતવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં. આતંકીઓએ 26 લોકોની પહલગામમાં હત્યા કરી હતી જેનો બદલો આજે ભારતે લીધો છે. હિન્દુ-મુસ્લિમની એકતાને તોડવાનો પ્રયાસ કરનાર આતંકીઓને આજે ભારતની સેનાએ ઓપરેશન સિંદુર વડે જડબાતોડ જવાબ આપીને 9 આતંકી ઠેકાણાને તબાહ કર્યા છે તેમજ 90થી વધુ આતંકીઓનો ખાત્મો કરાયો હોવાની પણ માહિતી મળી રહી છે. ઓપરેશન સિંદુર વિશે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં બે મહિલાઓએ સમગ્ર વિગત જણાવી હતી. આ બંને મહિલાઓમાં કર્નલ સોફિયા કુરેશી જે ગુજરાતના છે અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહનો સમાવેશ થાય છે.
વડોદરા જિલ્લાના વતની કર્નલ સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશીનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. ભારતીય સેનાની મહિલા અધિકારી લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી માત્ર તેમની હિંમત અને સમર્પણ માટે જ જાણીતી નથી, પરંતુ ઓપરેશન સિંદૂર દરમિયાન તેમની સક્રિય ભૂમિકાએ તેમને ચર્ચામાં લાવ્યા હતા. ઓપરેશન સિંદૂર એક મહત્વપૂર્ણ ઓપરેશન હતું જેમાં ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ મિશનમાં ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ કરતા લેફ્ટનન્ટ કર્નલ સોફિયાએ મીડિયાને મહત્વપૂર્ણ માહિતી આપી છે.
લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી કોણ છે?
લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતના વડોદરાના વતની છે. તેમનો જન્મ 1981માં થયો હતો અને તેમણે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેમના પરિવારનો સેના સાથે ઘણો જૂનો સંબંધ છે. તેમના દાદા અને પિતા પણ સેનામાં સેવા આપી ચૂક્યા છે. 35 વર્ષીય સોફિયા કુરેશી ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ રેન્કના અધિકારી છે. તેમને સિગ્નલ કોર્પ્સમાં સેવા આપી હતી.
સોફિયાએ ચેન્નાઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ મેળવી
સોફિયાએ ચેન્નાઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ મેળવી હતી અને 1999 માં આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે કમિશન મેળવ્યું હતું. તેમની લશ્કરી કારકિર્દી દરમિયાન, તેમણે ઉત્તર-પૂર્વ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશન અને પૂર રાહત કામગીરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી છે જે સેનાના તાલીમ અભ્યાસ ‘એક્સરસાઇઝ ફોર્સ 18’ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહી છે.
સોફિયા કુરેશી 1999 માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ સેનામાં જોડાયા હતા. તે સમયે તેઓ માત્ર 17 વર્ષની હતા. સોફિયા કુરેશીના દાદા પણ સેનામાં હતા. સોફિયાના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં આર્મી ઓફિસર છે.
પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓની દરેક વિગતો વિશ્વ સમક્ષ રજૂ
પ્રેસ કોન્ફરન્સમાં હિન્દીમાં સંપૂર્ણ માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓની દરેક વિગતો વિશ્વ સમક્ષ રજૂ કરી. સોફિયા કુરેશી કોર્પ્સ ઓફ સિગ્નલ્સ સાથે જોડાયેલી અધિકારી છે. 35 વર્ષીય સોફિયા કુરેશી હાલમાં પહેલી મહિલા અધિકારી છે જેમણે બહુ-દેશીય લશ્કરી કવાયતમાં ભારતીય સેનાની આખી ટુકડીનું નેતૃત્વ કર્યું છે.
વર્ષ 2016 માં, તે એક્સરસાઇઝ ફોર્સ 18 મિલિટરી ડ્રીલનો ભાગ બની અને તેનું નેતૃત્વ પણ કર્યું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.
માર્ચ 2016 માં સોફિયા કુરેશી, બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસમાં સેનાની ટુકડીનું નેતૃત્વ કરનાર પહેલી મહિલા બન્યા હતા. ટ્રેનિંગ એક્સરસાઇઝ ‘એક્સરસાઇઝ ફોર્સ 18’ પ્રોગ્રામ અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સૈન્ય અભ્યાસ છે. આ અભ્યાસમાં ASEAN ના સભ્યોએ ભાગ લીધો, જેમાં ભારત, જાપાન, ચીન, રુસ, સંયુક્ત રાજ્ય અમેરિકા, કોરિયા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામેલ હતા. આનું આયોજન ભારતના પુણે માં કરવામાં આવ્યું હતું.
