દેશની સર્વશ્રેષ્ઠ પોલીસ હોકી ટીમ કઈ? રાજકોટમાં જામ્યો જંગ, DGPના હસ્તે ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો પ્રારંભ
દેશની સર્વશ્રેેષ્ઠ પોલીસ હોકી ટીમનું બિરુદ મેળવવા માટે આજે ગુરૂવારથી 14 ડિસેમ્બર સુધી રાજકોટના બે ગ્રાઉન્ડ ઉપર 18 રાજ્યની 32 ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. સવારે 9 વાગ્યે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયના હસ્તે ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હોકીનો મુકાબલો શરૂ થયો હતો.

રાજકોટના રેસકોર્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિભિન્ન પ્રાંતમાંથી આવેલા પોલીસ જવાનો અને સુરક્ષા દળોના ખેલાડીઓની માર્ચ પાસ્ટ, પોલીસ બેન્ડની સુરાવલી, અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે આજથી તા. 14 ડિસેમ્બર સુધી 56 જેટલા મેચ રાજકોટ ખાતે યોજાશે.

DGPના હસ્તે ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો પ્રારંભ
આ તકે ડી.જી.પી. વિકાસ સહાયે તેમના ઉદબોધનમાં ભારતીય ખેલ હોકીની ગૌરવશાળી પરંપરાના ધરોહર મેજર ધ્યાનચંદને યાદ કરી જણાવ્યું હતું કે, સુરક્ષા દળોના જવાનો, પોલીસકર્મીઓની કોર વેલ્યુઝ એવી સંકલન, ટીમ ભાવના, એકતા અને અનુસાશન તથા ગોલ કેન્દ્રિત ડેડિકેશનના ગુણો રમતમાં પણ તેમનું કૌશલ્ય ઉજાગર કરવામાં મદદરૂપ બને છે. પોલીસ જવાનો રમત-ગમત અને ખાસ કરીને હોકીમાં રાષ્ટ્રની પરંપરાને આગળ ધપાવી રહ્યા હોવાનું તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ વિભાગ હસ્તકના ઓલ ઇન્ડિયા પોલીસ કંટ્રોલ બોર્ડ રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાની રમતના આયોજન થકી જવાનોની ખેલ પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કરે છે, ત્યારે બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય પોલીસ હોકી ચેમ્પિયનશિપની યજમાની આપવા બદલ સહાયે તેમનો આભાર માન્યો હતો. સાથોસાથ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ રમતગમતના શ્રેષ્ઠ આયોજન થકી આ લીગને પણ સફળતાપૂર્વક આગળ ધપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હોકી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે રાજકોટની જનતા પણ આ ચેમ્પિયનશિપને નિહાળી શકશે તેમ જણાવતાં વિકાસ સહાયે રાજકોટ પોલીસને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.
300થી વધુ ખેલાડીઓ વચ્ચે 56 જેટલી હોકી સ્પર્ધાઓ યોજાશે
આ તકે ડી.જી.પી. (આર્મસ) રાજુ ભાર્ગવે સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર સેવામાં હંમેશા તત્પર સુરક્ષા જવાનો ટીમ વર્ક, રણનીતિ, ગતિ, એકતા અને સન્માનની ભાવનાના ગુણ સાથે ખેલ પ્રતિભામાં પણ હંમેશા દેશનું નામ રોશન કરી રહ્યા છે, ત્યારે તેમણે તમામ ખેલાડીઓને હાર જીતથી ઉપર ઉઠી ખેલ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા અપીલ કરી હતી. આ લીગમાં આધુનિક સુવિધાઓ સાથેના આંતરરાષ્ટ્રીય સ્તરનું મેદાન ધરાવતા મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ, રેસકોર્સ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત હોકી ગ્રાઉન્ડ ખાતે 300થી વધુ ખેલાડીઓ વચ્ચે 56 જેટલી હોકી સ્પર્ધાઓ યોજાશે.
આ પણ વાંચો :દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સુર્યકુમારને સોંપાઈ કમાન,હાર્દિક-ગિલની વાપસી

ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભારતભરના વિવિધ રાજ્યના પોલીસ દળો, કેન્દ્ર સરકારના અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓની કુલ 32 ટીમો ભાગ લેશે, જેમાં 24 પુરુષ ટીમો અને 08 મહિલા ટીમોનો સમાવેશ થાય છે. ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતા દળોના ખેલાડીઓ માટે આ ટૂર્નામેન્ટ પ્રતિભા રજૂ કરવાનું એક મહત્વનું મંચ સાબિત થશે.

કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા એવા ઉત્તરપ્રદેશના હોકી ખેલાડી લલિતકુમાર ઉપાધ્યાયનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓએ ખેલ અંગેના શપથ લીધા હતાં. કાર્યક્રમના અંતે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ ભારત દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા ખેલાડીઓ, કોચ તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

શુભારંભ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, એડિશનલ ડી.જી.પી. પી.કે રોશન, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રીજીનલ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, ડી.સી.પી. જગદીશ બંગરવા, હેતલ પટેલ સહિત રાજકોટ પોલીસ વિભાગના અધિકારીઓ સહિત વિભિન્ન પ્રાંતમાંથી આવેલા કોચ, પોલીસ જવાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
