ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે મોન્સૂન ? જુઓ
કોણે શું કરી આગાહી ?
દેશમાં ભયાનક હીટવેવ ચાલી રહ્યો છે અને અનેક લોકોના મોત થઈ ગયા છે ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ તરફથી સોમવારે મોટા અને રાહતરૂપ સમાચાર આવ્યા હતા. તેના તાજા અહેવાલમાં એવી આગાહી થઈ હતી કે આગામી 5 દિવસમાં ચોમાસું કેરળના કિનારે પહોંચવાની સંભાવના છે. એ જ રીતે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 15 જૂન આસપાસ મોન્સૂન એન્ટ્રી કરી શકે છે.
હવામાને કહ્યું છે કે આ માટે તમામ સંજોગો અનુકૂળ છે. સામાન્ય રીતે ચોમાસું 1લી જુલાઈએ કેરળ પહોંચે છે. આ વખતે તે 30-31 મે સુધી પહોંચવાની આશા છે. કેરળમાં પ્રિ-મોન્સૂન વરસાદ શરૂ થઈ ગયો છે.
હવામાન વિભાગનું કહેવું છે કે લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. સાંજે ભારતીય હવામાન વિભાગ ચોમાસાની માહિતીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. આમાં વિગતવાર માહિતી આપવામાં આવશે.
દિલ્હી- ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં ક્યારે શરૂ થશે વરસાદ, કેરળ પહોંચ્યા બાદ આગામી 8-10 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચી શકે છે. સામાન્ય રીતે તે 8-10 જૂન સુધીમાં જ પહોંચે છે. આ વખતે પણ એવું જ જણાય છે.
પરંતુ ચોમાસાને ઉત્તર ભારતમાં પહોંચવામાં સમય લાગશે. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં 15 જૂન સુધીમાં ચોમાસું પ્રવેશી શકે છે. 20 જૂન સુધીમાં તે ગુજરાત અને મધ્યપ્રદેશના આંતરિક વિસ્તારોમાં ત્રાટકશે. ઉત્તર ભારતમાં પહોંચવામાં લગભગ 30 દિવસ લાગી શકે છે. તે 27 જૂન સુધીમાં પહોંચવાની ધારણા છે.