આજે મુખ્યમંત્રી અને સી.આર.પાટિલ શું જાહેરાત કરશે? અટકળોનું બજાર ગરમ,પ્રદેશ કાર્યાલય ખાતે સંયુક્ત પત્રકાર પરિષદ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ શુક્રવારે સવારે ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે સંયુક્ત રીતે મીડિયાને સંબોધન કરવાના છે. ઘણા લાંબા સમય પછી બંને સંયુક્ત રીતે પત્રકાર-પરિષદ સંબોધવાના હોવાથી જુદી જુદી અટકળોનું બજાર ગરમ થઇ ગયુ છે.
આ પત્રકાર પરિષદ એવા સમયે થઇ રહી છે કે જયારે સી.આર.પાટિલની નિમણુંક બિહારની ચૂંટણી સંદર્ભે સહ પ્રભારી તરીકે થઈ છે. એક તરફ પાટિલની જવાબદારી વધતી જાય છે અને નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકનો પ્રશ્ન હજુ અદ્ધરતાલ છે ત્યારે આ મુદ્દે કોઈ ચોખવટ થશે કે કેમ તેની પણ ચર્ચા છે.
આ સિવાય તાજેતરમાં જી.એસ.ટીના દરમાં સુધારા કરવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર આ વાતનો ભરપુર પ્રચાર કરવા માગે છે. આ સંદર્ભે કોઈ જાહેરાત હશે કે કેમ અથવા સ્વદેશી અભિયાન અંગે કોઈ મહત્વની જાહેરાત હશે એવું પણ માનવામાં આવે છે.
રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ લાંબા સમયથી જુદી જુદી વાતો થઇ રહી છે અને તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હીની મુલાકાતે ગયા ત્યારે પણ આ ચર્ચાએ જોર પકડ્યુ હતું. જો કે પત્રકાર પરિષદમાં આવા સવાલોના જવાબ આપવામાં આવતા હોતા નથી આમ છતાં આ મુદ્દો ઉપસ્થિત જરૂર થશે તેવું લાગે છે.
