શું છે DDOS સાયબર એટેક, નડિયાદથી ઝડપાયેલા સાયબર ટેરેરિસ્ટે ક્યારે શું કર્યું? જાણો સમગ્ર માહિતી
ઓપરેશન સિંદૂર બાદ પ્રવર્તમાન સ્થિતિને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે ઇન્ટો માધ્યમો થકી દેશદ્રોહી પ્રવૃત્તિઓ પર ગુજરાત ATS વધુ સતર્ક બની હતી એ દરમિયાન નડીયાદમાં રહેતા બે શખસો સાયબર ટેરર એક્ટીવીટી કરતા હોવાની ચોકકસ માહિતીના આધારે બે સાયબર ટેરેરીસ્ટને ATS દ્વારા દબોચી લેવાયા છે. બંને ઇસમો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વેબસાઇટો ડાઉન કરવા 50 જેટલા સાયબર ટેરર એટેક કરાયાનું પણ ખુલવા પામતા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
ATSના સોશિયલ મીડિયા મોનિટરીગ સેલ દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ડાર્કનેટ પ્લેટફોર્મ પર વોચ રાખવામાં આવતી હતી. એ ઉપરાંત ટેકનીકલ તથા હ્યુમન રિસોર્સ પણ સાયબર ટેરર બાબતે વધુ એકટીવ કરાયા હતા. એ દરમિયાન ATSના PI ડી.વી.પ્રજાપતિને નડીયાદમાં રહેતો જસીમ શાહનવાઝ અંસારી અને તેની સાથેનો ઇસમ સાયબર ટેરરની એકટીવીટી કરે છે અને ઓપરેશન સિંદૂર બાદ વધુ એકટીવ બન્યા છે.
ATSના એસ.પી. કે. સિધ્ધાર્થના માર્ગદર્શન હેઠળ DYSP વીરજીતસિંહ પરમારની રાહબરીમાં પી.આઈ. પ્રજાપતિ, એમ.પી.ઝાલા, જે.પી.વરમોરા સહિતની ટીમે નડીયાદમાં બંને ઇસમો પર વોચ ગોઠવી હતી. પુરાવાઓ હાથ લાગતા જસીમ અંસારી અને તેના સાગરીત બંનેના મોબાઇલ ફોન કબજે લેવાયા હતા અને ગાંધીનગર FSL ખાતે પરિક્ષણ માટે મોકલાયા હતા. મોબાઈલ ચકાસણીમાં જે શંકા હતી એ ખરી પડતા નડીયાદના મીલ રોડ પર મજુરગામ કે-326 કલ્યાણ કુંજ પાસે રહેતા અને અભ્યાસ કરતા 18 વર્ષીય જસીમ શાહનવાઝ અંસારી તથા તેની સાથેના સગીર વયના ઇસમ બંનેની આઇટી એકટ, સાયબર ટેરેરીઝમ એકટ હેઠળ ઘરપકડ કરવામાં આવી છે.
ATSની તપાસમાં ખુલ્યા મુજબ બંને મળીને દેશ વિરૂધ્ધ સાયબર વોર માફક ભારત સરકારની તથા રાજ્ય સરકારની વેબસાઈટોને ટાર્ગેટ કરવા માટે પ્લાન બનાવ્યો હતો. જે માટે આઈ.ડી.માંથી અલગ અલગ નામોથી ચેનલ ચાલુ કરી હતી. એપ્રીલ-મે માસ દરમિયાન બંનેએ મળી 50 જેટલા સાયબર એટેક સરકારની વેબસાઈટો પર કર્યા હતાં. વેબસાઇટો ડાઉન કરવાના ઇરાદે ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDOS) સાયબર એટેક કરતા હતા. આવા એટેક કર્યા બાદ વેબસાઈટ ચાલુ છે કે બંધ તે પણ ચેક કરતા અને એટેક કર્યાના સ્ક્રીન શોર્ટસ લઇ લેતા હતાં.
સ્ક્રીન શોર્ટ પોતાની ટેલીગ્રામ ચેનલ ઉપર પોસ્ટ કરતા હતા. પોસ્ટમાં સેવરલ ગવર્મેન્ટ સાઈટસ ઓફ ઇન્ડિયા હેસ બીન ટચ બાય એનોનસેક, હાય ઇન્ડિયા વી જસ્ટ ટુક ડાઉન યોર ફાઈનાન્સીયલ સીલ્ડ એન્ડ સર્વર્સ, હાલ ઇન્ડિયા વી જસ્ટ ટુક ડાઉન યોર સીલ્ડ એન્ડ સર્વર્સ આવા અંગ્રેજીમાં લખાણો મુકીને પોસ્ટ કરતા હતા. બંને શખસો પૈકી એક તો હજી સગીર વયનો છે.
ભારત દેશ વિરૂધ્ધની કોમેન્ટસ પણ ટેલીગ્રામમાં મુકતા હતા. આવી સાયબર ટેરર એકટીવીટીનો પર્દાફાશ થતા બંને વિરૂધ્ધ આઈટી એકટ 43 ઉપરાંત સાયબર ટેરેરીઝમ માટેની એકટ 63 પણ લગાવવામાં આવી છે. ATS ડીઆઈજી સુનીલ જોષી દ્વારા મીડિયા સમક્ષ અપાયેલી માહિતીમાં બંનેને અન્ય કોઈનો સપોર્ટ છે કે કેમ? ફાયનાન્સીયલી કોઈ મદદ કરતું હતું? જે સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં પોસ્ટ મુકતા કે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હતા તેમાં તેના અનેક ફોલોઅર્સ કોણ કોણ? કોઈ અન્ય દેશના કે દેશ વિરોધી ઇસમો પણ છે કે કેમ સહિતના મુદ્દે રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે.
પાક. પર ભારતે હુમલો કર્યો એ 7મેના દિવસે બન્નેએ 20 સાયબર એટેક કર્યા હતા
ઓપરેશન સિંદૂર હેઠળ પહેલગામના આતંકી હુમલાનો જવાબ આપવા ભારતીય સેનાએ તા.6/7 મેના રોજ રાત્રીના પાકિસ્તાન પર કરેલા એટેકને લઈને બંને વધુ ગિન્નાયા હોય એ રીતે તા.૭ના રોજ બંને એ મળી એક જ દિવસમાં 20 સાયબર ટેરર એટેક કર્યા હતાં. DDOS એટેકથી ડિફેન્સ, ફાયનાન્સ, એવીએશન અને સરકારની અન્ય વેબસાઇટોને નિશાન બનાવી એટેકથી વેબસાઇટો ડાઉન કરવાના પ્રયાસ કર્યા હતાં. જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ તેમજ દેશની અર્થવ્યવસ્થા અને શાંતિ-સલામતિતને નુકસાન કરતા પતિ ગંભીર અને આતંકી પ્રવૃત્તિરૂપ આતંકવાદી પ્રયાસરૂપ જ હોવાનું એ.ટી.એસ.એ જણાવ્યું હતું. તા.7ના રોજ સાયબર એટેક સાથે ટેલીગ્રામ ગ્રુપમાં ‘ઇન્ડિયા મે હેવ સ્ટાર્ટેડ ઇટ, બટ વી વીલ બી ધ વન્સ ટુ ફીનીસ ઈટ’નું લખાણ ઓપરેશન સિંદૂર બાદ મુક્યું હતું.
બંને છેલ્લા આઠેક માસથી એક્ટિવ બનીને સોશિયલ કેલેંગ્વેજ પણ શીખ્યા
બંનેના મોબાઈલ ફોન પરિક્ષણમાં એવુન ખુલ્યું છે કે, DDOS સાયબર ટેરર એટેકમાં માહિર બનવા કે આવા ઇરાદા પાર પાડવા હોય તેમ બંને છેલ્લા છ-આઠ માસથી એકટીવ બન્યા હતાં. યુ-ટયુબ પરથી અલગ અલગ લેંગ્વેજ અને ટુલ જેવી એપ્લીકેશન શીખ્યા હતા. એક વેબસાઇટ પરથી DDOS એટેક માટેનું ટુલ્સ મેળવી તેને કલોન કરી અન્ય ટુલમાં ચેન્જ કરી વેબસાઇટ ડાઉન કરવા પ્રયાસો કર્યા હતાં. અને અન્ય એક વેબસાઇટ પર જઈને સ્ટેટસ ચેક કરતા હતા. ટેલીગ્રામ કદાચ બંધ થાય તો તેના માટે પણ એડવાન્સ પ્લાનીંગ કર્યુ હોય તે મુજબ બેકઅપ ચેનલ ચાલુ કરી હતી.
શું છે DDOS સાયબર એટેક?
નડીયાદના ઝડપાયેલા બંને શખસો DDOS (ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ) સાયબર એટેક કરતા હતા. આ એટેકથી લક્ષિત સર્વર અથવા નેટવર્કને ઘણા સ્ત્રોતોમાંથી દુષિષત ટ્રાફિકથી ભરચક કરી દે છે. ઘણીવાર બોટનેટનો ઉપયોગ કરીને તેના સંસાધનો ડુબી જવા માટે અને વપરાશકર્તાને અનુપલબ્ધ બનાવી ઓનલાઈન સેવા ખોરવી નાખે છે. આર્થિક નુકસાન સાથે જે તે કંપનીની પ્રતિષ્ઠાને પણ હાની પહોંચી શકે છે. બંને ઇસમોને આ પ્રકારના સાયબર આતંક ફેલાવવાના આરોપસર ઝડપી લેવાયા છે.
