તમારા વિસ્તારના પોલીસકર્મીઓ કેવા છે? ગૃહ વિભાગ કાઢી રહ્યું છે પોલીસ અધિકારીઓની કુંડળી!
રાજ્યના પોલીસતંત્રમાં અધિકારીઓની કેવી છે કામગીરી ? જનમાનસમાં છાપ કેવી? સહિતની માહિતી, વિગતો જાણવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નવતર અભિગમ આરંભાયો છે. ગાંધીનગરથી સીધા ગમે તે શહેર-જિલ્લા કે ગામોમાં ફોન રણકે છે કે તમારા ફલાણા પોલીસ ઓફિસર કેવા છે? તેમની કાર્યશૈલી કેવી છે? આવા અલગ-અલગ 10થી વધુ પ્રશ્નોના પૂછાણ સાથે પોલીસ અધિકારીઓની કાર્ય કુંડળી તૈયાર થઈ રહી છે જે રિપોર્ટ કાર્ડ આધારે સારા, નરસા કોણ કેવા? તેવું તારણ અને બઢતી-બદલીઓમાં આ રિપોર્ટ મહત્વનું પરિબળ બની રહે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ફીડબેક સેન્ટર નામનો વિભાગ ઉભો કરાયો છે જેમાં અન્ય કોઈ કામગીરી નહીં પરંતુ આ વિભાગને એક જ કાર્ય સોંપાયેલું છે કે રાજ્યના જિલ્લાઓ, શહેરોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ કેવા છે? ખરેખર પ્રજાભિમુખ કામગીરી કરી રહ્યા છે કે કેમ? સરકારે મુકેલો વિશ્વાસ, સોંપેલી જવાબદારી કે ફરજમાં કેવા સફળ છે? આગેવાનોથી લઈ સામાન્ય જનમાં કેવી ઈમેજ ધરાવે છે? તે બાબતે સર્વે, ડેટા એકઠો કરવાનો.
અંગત વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી મુજબ ફીડબેક સેન્ટરમાં કોઈ પોલીસ ઓફિસર્સ કે આવો કોઈ સ્ટાફ નથી પરંતુ અન્ય કર્મચારીઓ જેમાં મહિલા સ્ટાફ વધુ છે તેઓને જ આ સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે જેથી સ્પષ્ટ રિવ્યુ મળી શકે તેવો આશય હોઈ શકે, જે તે શહેર-જિલ્લાઓમાં કે ગામો સુધીના સ્થાનિક અગ્રણીઓ અથવા તો સામાન્ય જનના ફોન કોલ્સ લીસ્ટ અપાયા છે અને તેઓને ફોન કરીને તેમના વિસ્તારના પોલીસ અધિકારીઓની કામગીરીનો તાગ મેળવાઈ રહ્યો છે.
તમારા વિસ્તારમાં પોલીસનું વર્તન, ભાષા કેવા છે ? સામાન્ય વ્યક્તિ ફરિયાદ આપવા જાય તો લેવાય છે કે નહીં ? કે પછી કોઈ કાયદાના તજજ્ઞો અથવા તો અન્ય કોઈને સાથે લઈ જવાય તો જ સાંભળવામાં આવે છે ? પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં, પ્રજા વચ્ચે દેખાય છે ? રજૂઆતો સાંભળવામાં આવે છે ? જ્યાં કામ કરે છે ત્યાં તેમની કાર્યશૈલી કેવી છે ? આવા પ્રશ્નો સાથેનો અભિપ્રાય મેળવવામાં આવે છે અને તેનો ડેટા તૈયાર કરાઈ રહ્યો છે.
ફીડબેક સેન્ટરમાંથી પોલીસ અધિકારીઓની કાર્ય કુંડળી તૈયાર થયા બાદ ઉચ્ચસ્તરીય અભ્યાસ સાથે કોની કેવી છાપ? તેમ ઘઉં અને કાંકરા છૂટા પાડવામાં આવશે અને તેના પરથી જે તે અધિકારીઓના રિપોર્ટ બનશે તેના પરથી તેમને બદલીના સ્થાનથી લઈ આવી બાબતો ધ્યાને લેવાશે તેવું જાણવા મળી રહ્યું છે. જો કે આ ફીડબેક સેન્ટરમાંથી તૈયાર થનારા રિપોર્ટ્સના શું ઉપયોગ થશે કે લેવાશે? તે તો ગૃહ વિભાગના ઉચ્ચસ્તરીય સૂત્રોને જ ખ્યાલ હશે.
જો જો હો હમણા સીધા કાર્યો કરજો, ગમે ત્યાં ફોન રણકે છે !
પીઆઈથી લઈ ઉચ્ચ અધિકારીઓ ટેલિફોનીક કે સોશિયલ મીડિયા ગ્રુપ અથવા પર્સનલ ચેટ મારફતે એકબીજાને ચેતવી રહ્યા છે અથવા તો મજાકમાં કહેતા રહે છે કે જો જો હમણા સીધા કાર્યો કરજો, ક્યાંય ખોટા વિવાદમાં ન આવતા. ગાંધીનગરથી ગૃહ વિભાગના ફીડબેક સેન્ટરમાંથી ગમે ત્યારે ગમે ત્યાં ફોન રણકે છે કે તમારા વિસ્તારના પોલીસ અધિકારી કેવા છે ? કોઈ ફરિયાદો છે ? જો રિપોર્ટ કાર્ડ બગડશે તો આવનારો સમય બગડશે. આવી મજાક કે આડકતરી ચેતવણી રમુજરૂપે અપાઈ રહી છે.
