અમેરિકાના અર્થતંત્ર અંગે શું આવ્યા ચિંતાજનક અહેવાલ ? વાંચો
- અમેરિકી અર્થતંત્ર મંદીની ચુંગાલમાં, ભારત પણ હીટ થશે
- નિષ્ણાતોનો ચિંતાજનક અહેવાલ : અમેરિકામાં બેરોજદારી દર વધ્યો, વ્યાજ દરમાં વધારાનો બોજ બાજી બગાડશે
ભારત અત્યારે ઝડપી પ્રગતિના માર્ગ પર છે જ્યારે અમેરિકાનું અર્થતંત્ર મંદીની અસરમાં સપડાઈ ચૂક્યું છે. વ્યાજદરમાં વધારાને કારણે અમેરિકાનું અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે. શેરબજાર અને કેટલાક અર્થશાસ્ત્રીઓને ડર છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા પર વ્યાજ દરમાં વધારો થવાનો બોજ છે. જો કે આ વાત સાથે બધા નિષ્ણાતો સહમત નથી. સાથોસાથ એવા અહેવાલ પણ છે કે મંદીની ઘેરી અસર ભારત પર પણ પડી શકે છે.
અમેરિકામાં મંદીનો સમયગાળો
જોબ માર્કેટમાં મંદી અને બેરોજગારી દરના આધારે અનુમાન લગાવતા સહમના નિયમ અનુસાર, વ્યાજદરમાં વધારો અમેરિકામાં આર્થિક પતન તરફ ઈશારો કરે છે. જુલાઈમાં, અમેરિકામાં બેરોજગારીનો દર અપેક્ષા કરતાં વધુ ઝડપથી વધીને 4.3% થયો હતો, જ્યારે જૂનમાં તે 4.1% હતો. તેથી, સહમના નિયમ મુજબ, જો બેરોજગારી દરની ત્રણ મહિનાની સરેરાશ છેલ્લા 12 મહિનાની સૌથી નીચી ત્રણ મહિનાની સરેરાશ કરતાં 0.5% વધુ હોય, તો અમેરિકામાં મંદી છે.
બેરોજગારીનો દર વધ્યો
જૂન 2022માં અમેરિકામાં ફુગાવો 9.1% પર પહોંચ્યો હતો. જે છેલ્લા ચાર દાયકામાં સૌથી વધુ છે. કિંમતોમાં આ રેકોર્ડ ઉછાળાને પહોંચી વળવા માટે, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં વધારો કરવાનું શરૂ કર્યું. 2021 અને 2023 ની વચ્ચે, દર 11 વખત વધારવામાં આવ્યો હતો, જે બેન્ચમાર્ક રેટને 5.25-5.5% પર લઈ ગયો હતો. જે છેલ્લા 23 વર્ષમાં સૌથી વધુ છે.
જો કે, વ્યાજ દરોએ ફુગાવાને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે જુલાઈમાં ઘટીને 2.9% થઈ ગઈ હતી. પરંતુ તેનાથી જોબ માર્કેટ પણ ધીમી પડી ગયું છે. આ કારણે મજૂરોની માંગમાં ઘટાડો થયો અને બેરોજગારીનો દર વધ્યો.
ભારતની વૃધ્ધિ પર પણ નકારાત્મક અસરનો ભય : એક્સપોર્ટ બિઝનેસને મોટું નુકસાન થઈ શકે છે
દરમિયાનમાં નિષ્ણાતોએ એમ કહ્યું છે કે અમેરિકાની મંદીની ઘેરી અસર ભારત પર પણ પડી શકે છે. સતત મંદીને લીધે ભારતના એક્સપોર્ટ બિઝનેસને નુકસાની થઈ શકે છે. એ જ રીતે ભારતની આર્થિક વૃધ્ધિ પર પણ નકારાત્મક અસર ઊભી થવાનો ખતરો છે. જો કે ભારતનું અર્થતંત્ર અત્યારે સાચી દિશામાં આગળ ધપી રહ્યું છે તેવા અહેવાલો વિદેશી રેટિંગ એજન્સીઓએ આપ્યા છે છતાં અમેરિકાની મંદીની અસરથી બચવું મુશ્કેલ છે.તાજેતરમાં જ વર્લ્ડ બેન્કે પણ પોતાના અંદાજમાં સુધારો કરીને કહ્યું હતું કે ભારતની વૃધ્ધિ ઝડપી થશે.