અમે રાજકોટના તમામ ખાડા બૂરી દીધા છે : સરકારને ઉઠાં ભણાવતી મનપા, હજુ અનેક વિસ્તારોમાં ગાબડાં છતાં સરકારને ઉંધા ચશ્મા પહેરાવ્યા
વરસાદને કારણે આખા ગુજરાતના રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે જેના કારણે લોકોનો રોષ સરકાર ઉપર ફાટી નીકળતાં ખુદ મુખ્યમંત્રીએ આ બાબતે અધિકારીઓના `ક્લાસ’ લેવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રી દર બીજા દિવસે દરેક શહેરના રોડ-રસ્તાની હાલત અંગે અધિકારીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક કરી કામગીરીનો `હિસાબ’ માંગી રહ્યા છે ત્યારે મહાપાલિકા હવે સરકારને પણ ઉઠાં ભણાવવામાં પણ માહેર થઈ ગઈ હોય તેવી રીતે લેખિતમાં એવો દાવો કરી નાખ્યો છે કે તેણે રાજકોટમાં પડેલા તમામ ખાડાને બૂરી દીધા છે અને હાલ કોઈ પ્રકારનો ખાડો શહેરમાં રહ્યો નથી !!

મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વરસાદને કારણે રોડ-રસ્તાને કેટલું નુકસાન થયું અને કેટલું રિપેરિંગ થયું જ્યારે બાકી રહેલું રિપેરિંગ ક્યાં સુધીમાં થશે તે અંગે અધિકારીઓને પૂછાણ કર્યું હતું. આના જવાબમાં રાજકોટ મહાપાલિકા દ્વારા લેખિતમાં એવું જણાવાયું હતું કે 2363.25 કિલોમીટરના રસ્તામાંથી 49.50 કિલોમીટરના રસ્તામાં નુકસાન થયું હતું જે પૈકી 49.50 કિલોમીટરનો રસ્તો એકદમ ઠીક કરી દેવામાં આવ્યો હોવાથી અત્યારે કોઈ જ પ્રકારની રસ્તાની કામગીરી પેન્ડીંગ નથી !

મહાપાલિકાએ સરકારને તો ઉંધા ચશ્મા પહેરાવી દીધા પરંતુ હજુ અનેક વિસ્તારોમાં નાના-મોટા ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે આમ છતાં ખોટો જવાબ આપવા પાછળનું કારણ શું હશે તે વાત ટોચના અધિકારીઓથી લઈ રોડ-રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ જ જાણતાં હશે !

આને ખાડા બૂર્યા કહેવાય ?
મહાપાલિકા દ્વારા સરકારને મંગળવારે સવારે લેખિતમાં એવો જવાબ આપવામાં આવ્યો છે કે શહેરમાં પડેલા તમામ ખાડા બૂરી દેવામાં આવ્યા છે ત્યારે વૈશાલીનગર મેઈન રોડ, કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રિજની ઉપરથી પસાર થતાં રસ્તા, ભોમેશ્વર મંદિરની સામે આવેલા આ રસ્તા પર પડેલા ખાડાની તસવીર મંગળવારે સાંજે લેવામાં આવી છે ત્યારે સાચે જ તંત્રએ ખાડા બૂરી દીધાં હોય તો પછી આ ખાડા પડ્યા કેવી રીતે હશે ? કદાચ તંત્ર આ ખાડાને ખાડા ગણતું નહીં હોય એવું પણ બની શકે…!

આ પણ વાંચો : ઉંઘ-આરામને સાઈડમાં મૂકી રોડ-રસ્તા ચકાચક બનાવો : ફરિયાદ બંધ ન થાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા મુખ્યમંત્રીનો હુકમ
રસ્તા રિપેર થઈ ગયા છે, પેચવર્ક બાકી છે : ઈજનેર અતુલ રાવલ
મહાપાલિકાના સિટી ઈજનેર અતુલ રાવલનો આ અંગે સંપર્ક કરવામાં આવતાં તેમણે કહ્યું કે નુકસાન થયેલા તમામ રસ્તા રિપેર કરવામાં આવ્યા છે પરંતુ પેચવર્ક હજુ બાકી છે ! એકંદરે તેમણે રસ્તા બાબતની કોઈ કામગીરી હાલ પેન્ડીંગ નહીં હોવાનું જણાવ્યું હતું.
