અમે સ્વર્ગ જોવા આવ્યા હતા પણ…હવે કદી કાશ્મીર નહી આવીએ : પ્રવાસીઓએ વર્ણવી ભયાનકતા
પહેલગામથી પાંચ માઈલ જ દૂર આવેલી હરિયાળી ઘાસ અને ચીડના જંગલોથી ઘેરાયેલી બૈસરણ વેલીની ગણના કાશ્મીરના સૌથી મનોહર સ્થળ તરીકે થાય છે પણ ત્યાં મંગળવારનો સૂર્યપ્રકાશમાં ચમકતો, હુંફાળો, શાંતિપૂર્ણ દિવસ એક ભયાનક સ્વપ્નમાં ફેરવાઈ ગયો. પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું આ સ્થળ 26 – 26 નિર્દોષ પ્રવાસીઓના નરસંહાર નું સાક્ષી બન્યું. દગાખોર આતંકવાદીઓ લશ્કરી ગણવેશમાં આવ્યા અને કાશ્મીરના મહેમાન બનેલા પર્યટકો ઉપર અંધાધુંધ ગોળીબાર કર્યો. થોડીવાર પહેલા જ જે સ્થળે
આનંદ, ઉમંગ અને ઉલ્લાસનું સંગીત ગુંજતું હતું ત્યાં મોતનો સન્નાટો ફેલાઈ ગયો.
આ ઘટના ભયંકર હતી.બચી ગયેલા લોકો તેને ક્દી ભૂલી શકશે નહી.તરફડીયા મારતા સહપ્રવાસીઓ, જમીન પર લોહીના ખાબોચિયામાં શાંત થઈ ગયેલા મૃતદેહો અને સ્વજનને નજર સામે ગુમાવી બેઠેલા પરિવારજનોના આક્રંદના એ દૃશ્યો,એ અનુભવ આખી જિંદગી તેમનો પીછો કરતાં રહેશે. આ હુમલામાં બચી ગયેલા કેટલાક લોકોએ પોતાના અનુભવો વર્ણવ્યા.

એવું લાગ્યું કે દુનિયા અહીં જ ખતમ થઈ ગઈ
ગુજરાતના પ્રવાસી પુષ્પાબેને કહ્યું, “અમે હજુ એ સ્થળે પહોંચ્યા જ હતા. અમે સહપરિવાર ફોટા લઈ રહ્યા હતા ત્યાં અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો. અમે કાંઈ સમજી શકે તે પહેલાં લોકોને અમારી સામે ઢળી પડતા જોયા. અમે ડરના માર્યા જમીન પર બેસી ગયા.”એ ઘટનાની ભયાનકતા વર્ણવતા તેમણે વધુમાં કહ્યું,” બધા ગભરાઈ ગયા હતા, ક્યાં જવું તે સૂઝતું નહોતું. ગોળીબાર સતત ચાલુ હતો. અમારી નજર સામે લોકો ઘાયલ થઈ અને જમીન પર તરફડીયા મારતા હતા.અમે બધું જ પાછળ છોડી દીધું,અમારી બેગ, અમારો સામાન, અમારા જૂતા પણ, અને જીવ બચાવવા દોડ્યા. અમે કશું વિચાર્યું નહીં. અમે એટલા બધા ડરી ગયા હતા કે લાગ્યું કે દુનિયા અહીં જ ખતમ થઈ ગઈ.

આ ઘટના અમને જિંદગીભર ડરાવતી રહેશે
આ નિર્મમ હત્યાકાંડને કારણે ઘણા પ્રવાસીઓ આઘાતમાં સરી પડ્યા હતા.એક મહિલાએ ચીસ પાડી, “મારા પતિ મરી ગયા, બીજાઓને બચાવો!” લોકો આશ્રય શોધવા દોડવા લાગ્યા હતા. કર્ણાટકના એક પ્રવાસીએ કહ્યું, “અમારા પરિવારજનો અમને સતત ફોન કરતા હતા. તેઓ ખૂબ ચિંતિત હતા.અમે હવે સુરક્ષિત રીતે શ્રીનગર પહોંચી ગયા છીએ, પરંતુ અમે તૂટી ગયા છીએ. અમે ક્યારેય પાછા નહીં આવીએ, ક્યારેય નહીં. આ દુર્ઘટના અમને હંમેશા ડરાવતી રહેશે.” ઘણા પ્રવાસીઓએ જણાવ્યું કે તેમના જૂથો હુમલાના થોડી ક્ષણો પહેલાં જ અલગ થઈ ગયા હતા, તેમને આવનારા ખતરાની જાણ ન હતી. ડઘાઈ ગયેલા એક પ્રવાસીએ કહ્યું,“કેટલાક ટ્રેલ પર ગયા હતા, કેટલાક લંચ માટે રોકાયા હતા. અમને કોઈએ કલ્પના પણ નહોતી કે થોડી સેકન્ડોમાં, અમારી શાંતિપૂર્ણ યાત્રા રક્તપાતમાં ફેરવાઈ જશે “.

આતંકવાદીઓ આવ્યા અને ગોળીબાર શરૂ કરી દીધો
ગુજરાતના અન્ય એક પ્રવાસી અસ્મિતાબેન વાઘેલાએ ખૂબ નજીકથી આ ઘટના નિહાળી હતી. તેમણે કહ્યું, “અમે બપોરે લગભગ 2:30 વાગ્યે મિની સ્વિટ્ઝર્લેન્ડ ગેટ પાસે બે સશસ્ત્ર લોકોને લોકો પર ગોળીઓ ચલાવતા જોયા. જ્યારે અમે ગેટ પાસે પહોંચ્યા ત્યારે આતંકવાદીઓ ખૂબ નજીક હતા. અમે ગોળીઓ લોકોને વાગતી જોઈ. અમે અમારો સામાન છોડીને દોડી ગયા. મેં બે સશસ્ત્ર આતંકવાદીઓને લોકોને નિર્દયતાથી મારતા જોયા. તેઓ એક શબ્દ પણ ન બોલ્યા. તેઓ આવ્યા અને ગોળીબાર શરૂ કરી દીધો.”
હુમલામાં ઘાયલ થયેલા અન્ય એક પ્રવાસી વિનુભાઈએ હોસ્પિટલની પથારી પરથી વાત કરી. “મેં જમીન પર લગભગ ડઝનબંધ મૃતદેહો જોયા. બંદૂકધારીઓ ઝાડીઓ પાછળથી અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા હતા. તે સંપૂર્ણ અરાજકતા હતી.”
ઘણા બચેલા લોકો માટે હુમલાની યાદો ક્યારેય ભૂલાશે નહીં. “આ દુર્ઘટના અમને હંમેશા સતાવતી રહેશે,” એક પ્રવાસીએ આઘાત સાથે કહ્યું,“અમે સ્વર્ગ જોવા આવ્યા હતા, પરંતુ તે નરકમાં ફેરવાઈ ગયું.”