સૌરાષ્ટ્રના 12 જળાશયોમાં પાણીની આવક : 11 ડેમના દરવાજા ખોલાયા, વરસાદના સારા રાઉન્ડને કારણે 10 ડેમ ઓવરફ્લો
મેઘરાજા હસ્ત નક્ષત્રમાં છેલ્લા બે દિવસથી આખરી રાઉન્ડમાં દે ધનાધન વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે રાજકોટ સિંચાઈ વર્તુળ કચેરી હેઠળ આવેલા સૌરાષ્ટ્રના 83 પૈકી 12 જળાશયોમાં અડધો ફૂટથી લઈ સવા ફૂટ સુધીની નવી આવક થઇ હતી. ખાસ કરીને રાજકોટને પાણી પૂરું પાડતા ભાદર ડેમમાં પણ સારા વરસાદને કારણે અડધો ફૂટ જેટલું નવું પાણી આવતા ભાદર ડેમ છલકાવામાં માત્ર પોણા બે ફૂટની જળરાશી જ બાકી રહી છે. બીજી તરફ નર્મદા ડેમની હાલમાં 97.65 ટકા ભરાયો છે અને ડેમ પૂર્ણ ભરવામાં હવે બે ફૂટ જેટલો જ બાકી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ સિંચાઈ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદને કારણે રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી જિલ્લાના કુલ 83 પૈકીના 12 ડેમમાં અડધો ફૂટથી લઈ સવા ફૂટ સુધી નવા પાણીની આવક નોંધાઈ છે.જેમાં રાજકોટ જિલ્લામાં ભાદર ડેમમાં 0.33 ફૂટ, વાછપરીમા 0.13 કરમાળ, કર્ણુકી અને ભાદર-2 ડેમમાં 0.33 ફૂરની આવક થઇ હતી. જયારે મોરબીના ડેમી-1માં 0.16 અને મચ્છુ-3માં 0.72 ફૂટ નવા પાણી આવ્યા હતા. એ જ રીતે જામનગર જિલ્લામાં ફુલઝર-2માં 0.43, દ્વારકાના ઘી ડેમમાં 0.26, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-2માં 1.18 ફૂટ નવા પાણીની આવક થઇ હતી.
આ પણ વાંચો :રાજકોટને ડેંગ્યુના ડંખ : હજુ નવેમ્બર સુધી ‘ત્રાસ’ રહેશે, એક સપ્તાહમાં વધુ પાંચ કેસ મળ્યા
આ ઉપરાંત રાજકોટનો આજી-1, ફોફળ, સોડવદર, લાલપરી અને છાપરવાડી -1 છલકાઈ રહ્યા છે. જયારે મોજ, વેણુ-2, સુરવો, ડોંડી, ન્યારી-2, છાપરવાડી -2, અને ભાદર -2 ડેમના દરવાજા પાણીની આવક વધતા ખૂલવામાં આવ્યા છે. એ જ રીતે મોરબીનો મચ્છુ-1 ડેમ ઓવર ફ્લો થઇ રહ્યો છે અને મચ્છુ-2 તેમજ મચ્છુ-3ના દરવાજા ખોલવામાં આવ્યા છે. જયારે જામનગર જિલ્લામાં ડાઇ મીણસર ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે અને ફુલઝર તેમજ ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. સાથે જ સુરેન્દ્રનગરનો ત્રિવેણી ઠાંગા અને અમરેલીનો સાકરોલી ડેમ પણ ઓવરફ્લો થઇ રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરના જણાવ્યા મુજબ રાજ્યના 114 ડેમ 100 ટકા ભરાયેલા છે અને 150 ડેમ હાઇએલર્ટ ઉપર મુકાયા છે.બીજી તરફ નર્મદા ડેમની હાલમાં 97.65 ટકા ભરાયો છે અને ડેમ પૂર્ણ ભરવામાં હવે બે ફૂટ જેટલો જ બાકી હોવાનું જાણવા મળે છે.
