શું વધુ એક દુર્ઘટનાની જોવાતી હતી રાહ!? રાજકોટના કેસરી હિન્દ પુલનું આયુષ્ય એક દસકા પહેલા જ પૂર્ણ, છતાં તંત્ર નિંદ્રાધીન
બે દિવસ પૂર્વે વડોદરા આણંદને જોડતા ગંભીરા બ્રિજ કડડભૂસ થવાની ઘટનામાં 18-18 નિર્દોષ લોકોના મૃત્યુ થવાની ઘટનાને પગલે શુક્રવારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શહેર-જિલ્લાના તમામ જર્જરિત અને જોખમી પુલનું તાકીદે ઇન્સ્પેક્શન કરવા માંગણી ઉઠાવી ભયજનક પુલો પર ઓવરલોડિંગ વાહનો પર પ્રતિબંધ લાદવા માંગણી કરી રાજકોટના કેસરે હિન્દ પુલનું આયુષ્ય પૂર્ણ થવા છતાં મહાનગરપાલિકા નિંદ્રાધીન સ્થિતિમાં હોવાનો આરોપ લગાવ્યો હતો.

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજનું વર્ષમાં બે વખત ઇન્સ્પેક્શન કરવા હાઇકોર્ટે આદેશ કરી બ્રિજ અંગેની નવી નીતિ ઘડવા તાકીદ કરી હતી.સાથે જ સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયરને પણ રેન્ડમ ધોરણે બ્રિજની ચકાસણી કરવાનું ઠરાવમાં આવ્યું હોવા છતાં સરકારના અધિકારીઓએ આ આદેશનો ઉલાળીયો કરતા વડોદરા પાસે ગંભીરા બ્રિજમાં 18 લોકોએ જાન ગુમાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કોંગ્રેસે રાજકોટનો કેસરે હિન્દ પુલ 1879માં બન્યા બાદ છેલ્લે 1991માં પુલ રીપેર થયા બાદ 25 વર્ષની ગેરંટી આપી હતી. જે ગેરંટીને પણ એક દસકો પૂર્ણ થયેલ હોય કેસરે હિન્દ પુલની ચકાસણી કરવા માંગ કરી હતી.

વધુમાં હાલ ચોમાસામાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં કોઈ જાનહાનીની ઘટના ન બને તે માટે તકેદારીના આગોતરા આયોજનના ભાગરૂપે શહેર જિલ્લાના તમામ બ્રિજ નું ઇન્સ્પેક્શન કરી સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરી યોગ્ય કરવા માંગણી ઉઠાવી હતી. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કામગીરીમાં બેદરકારી અને લાપરવાહી ફલિત થતી હોવાનું જણાવી ભયજનક પુલો પર ઓવરલોડિંગ વાહનો પર પ્રતિબંધ લાદવા અને ભયજનક હોય તે તમામ બ્રિજ પર તાત્કાલિક મરામત કરી વાહનચાલકોને દેખાય તે પ્રકારે સાઈન બોર્ડ મૂકવા માંગણી કરી અંડર બ્રિજમાં પણ ખાડા કે રેલિંગો તૂટેલી હોય તો તે તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરવા રજુઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Tesla India Entry : ભારતમાં આ દિવસે ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, જાણો કઈ કાર થશે લોન્ચ,શું છે તેની કિંમત?

કલેકટર સમક્ષ બ્રિજ અંગેની રજુઆત સમયે શુક્રવારે કોંગ્રેસની એકતા જોવા મળી હતી. આજની રજુઆતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા. કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયા, ડો. મહેશભાઇ રાજપૂત, ઇંદ્રનીલભાઈ રાજયગુરુ, અતુલ રાજાણી, કોમલબેન ભારાઈ, નરેંદ્રભાઈ સોલંકી, જસવંતસિંહ ભટ્ટી, સુરેશભાઇ બથવાર, ડી પી મકવાણા, દિપ્તીબેન સોલંકી, આદિત્યસિંહ ગોહિલ, ડો. નયનાબા જાડેજા, પ્રવીણભાઈ કાકડિયા, સંજય અજુડિયા, ભાર્ગવ પઢિયાર, પ્રતિક રાઠોડ, જિગ્નેશ ડોડીયા, બિંદિયાબેન તન્ના, નાગજીભાઈ વિરાણી સહિતના કોંગ્રેસના આગેવાનો -કાર્યકરો હાજર રહ્યા હતા.
