વોર્ડનું આધાર કેન્દ્ર હવે એક ક્લિક પર મળી જશે : નજીકના આધાર કેન્દ્રનું સરનામું ‘RMC સિટીઝન એપ’ પરથી જાણી શકાશે
રાજકોટ મહાપાલિકા દ્વારા હવે ઝોનલ કચેરી ઉપરાંત વોર્ડ નં.1 થી 18માં આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જો કે પોતાના વોર્ડની આધાર કેન્દ્ર શોધવા માટે અરજદારે ‘પૂછપરછ’ કરવામાં ખાસ્સો સમય વેડફવો પડતો હોવાની ફરિયાદો બાદ હવે તંત્ર દ્વારા મોબાઈલની એક ક્લિકથી પોતાના વોર્ડનું આધાર કેન્દ્ર શોધી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા હવે ઘરબેઠા નજીકના આધાર કેન્દ્રની માહિતી મેળવવા માટે આરએમસી સિટીઝન એપમાં માહિતી ઉમેરવામાં આવી છે. આ માહિતી મેળવવા માટે મહાપાલિકાની વેબસાઈટ પર જઈને RMC ઓફિસ, આધાર સેન્ટર પર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો :રાજકોટની માધાપર (ડિસ્કો) ચોકડીએ રસ્તાની હાલત અત્યંત ખરાબ : રિપેર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની કોંગ્રેસની ચીમકી
આ પછી ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર, યુએચસી, લાયબ્રેરી અને આધાર સેન્ટર એમ વિકલ્પ દર્શાવાશે જેમાંથી આધાર સેન્ટર પર ક્લિક કરવાનું રહેશે અને તેના આધારે આધાર કેન્દ્રની વિગત મળી જશે. આ ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોર પરથી મહાપાલિકાની મોબાઈલ એપ્લીકેશન આરએમસી સિટીઝન એપ ડાઉનલોડ કરી અરજદારે પોતાના મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેના મારફતે પણ માહિતી મળી શકશે. એકંદરે લોકોએ હવે આધાર કેન્દ્ર શોધવા માટે હડિયાપટ્ટી કરવી નહીં પડે અને સરળતાથી સરનામું મેળવી કેન્દ્ર ઉપર પહોંચી શકશે.
