મણીપુરમાં શાંતિ સ્થપાઈ રહી હોવાના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના દાવાઓ વચ્ચે શનિવારે વંશિય અથડામણના ભાગરૂપે થયેલા સામસામે ગોળીબારમાં ચાર ઉગ્રવાદી અને એક નાગરિકના સહિત પાંચ લોકોના મૃત્યુ થયા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ દિવસ દરમિયાન મણીપુરમાં હુમલાઓની ઘટનામાં અચાનક જ ચિંતાજનક ઉછાળો આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ શનિવારે સવારે જીબ્રામ જિલ્લાના એક ગામમાં પ્રવેશી ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી એક વ્યક્તિને મારી નાખ્યો હતો. બાદમાં સામસામા ગોળીબાર શરૂ થયા હતા જેમાં ચાર ઉગ્રવાદીઓના મૃત્યુ થયા હતા. મૃતકોમાં કૂકી અને મેઇટી બન્ને સમુદાયના લોકો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મણીપુરમાં ઉગ્રવાદ ફરી માથું ઉચકી રહ્યો છે. 17 મહિના પહેલા વંશીય અથડામણો શરૂ થઈ ત્યારે રાજ્યના વિવિધ પોલીસ શસ્ત્રાગારોમાંથી હજારોની સંખ્યામાં રાયફલો અને દારૂગોળાની લૂંટ ચલાવવામાં આવી હતી.એવી જ ઘટનાના પુનરાવર્તનરૂપે બિશનપુર જિલ્લામાં શુક્રવારે રાત્રે એક વૃદ્ધની હત્યા થયા બાદ ટોળાએ 2 મણીપુર રાયફલ અને 7 મણીપુર રાયફલ્સ ના વડા મથકો પર હુમલો કરી શસ્ત્રો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરક્ષા દળોએ ટોળાને બળપૂર્વક વિખેરીને એ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાઓની ગંભીરતા નિહાળી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શનિવારે તમામ શાળા કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
મણીપુરના આકાશમાં સંખ્યાબંધ ડ્રોનની ઉડાન: ગ્રામજનો ભયભીત
ઇસનપુર જિલ્લાના મોઇરાંગ ગામમાં શુક્રવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોહિરમબામ ના નિવાસ્થાન પર ડ્રોન વડે હુમલો કરવામાં આવતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. હુમલા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવતા સુરક્ષા દળો ચોકી ઉઠ્યા છે. એ દરમિયાન શુક્રવારે રાત્રે ઇસનપુર જિલ્લાના નારાયણસેના, નામબોલ, કામોગ અને પૂર્વ જિલ્લાના પુકાહો, દોલતીથબી અને શાંતિપૂરના આકાશમાં મોટી સંખ્યામાં ડ્રોન નજરે પડતા ગભરાયેલા ગ્રામજનોએ લાઈટો બંધ કરી દીધી હતી. એ દરમિયાન બિશનપુરના આકાશમાં ફાયરિંગના અવાજો સંભળાયા હતા. એ ફાયરિંગ સુરક્ષા દળો એ કર્યું કે અન્ય કોઈએ તે નક્કી થઈ શક્યું નથી. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે એક સપ્ટેમ્બર ના રોજ પશ્ચિમ ઇમ્ફાલના નગરમાં ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં ગનનો પણ ઉપયોગ થયો હતો. એ હુમલામાં બે લોકો માર્યા ગયા હતા અને અન્ય નવને ઇજા થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે સૈનજામ ચિરાગ ગામ ઉપર પણ ડ્રોન એટેક થતા ત્રણ લોકોને ઈજા થઈ હતી.
પ્રથમ વખત લોંગ રેંજ રોકેટ વડે હુમલા રોકેટ આર્મી હેડક્વાર્ટર નજીક જ ખાબક્યું
બિશનપુરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીના નિવાસ્થાન ઉપર લોંગ રેન્જ રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ એ રોકેટ ઇન્ડિયન નેશનલ આર્મી હેડ ક્વાર્ટર થી માત્ર બે કિલોમીટર દૂર ખાબક્યું હતું. કુકી ઉગ્રવાદીઓ હેન્ડ મેડ રોકેટનો ઉપયોગ કરતા હોવાનું ખુલ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે થયેલા રોકેટુ હુમલામાં ચાર ફૂટ લાંબા રોકેટ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉગ્રવાદીઓએ હવે ડ્રોન, રોકેટ અને અત્યાધુનિક હથિયારો વડે હુમલા શરૂ કરતાં ઘર્ષણ નવા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે.
