રાજકોટના કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, AC અને નોન AC હોલની સગવડ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે
લોકો પોતાના સારા-માઠા પ્રસંગ માટે સસ્તા ભાડાથી કોમ્યુનિટી હોલ બુક કરાવી શકે તે માટે મહાપાલિકા દ્વારા બુકિંગના નિયમ સરળ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે હોલની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવો જ એક કોમ્યુનિટી હોલ કોઠારિયા રોડ ઉપર અરવિંદભાઈ મણિયાર માર્ગ પર આવેલો છે જેનું નવીનીકરણ કરાયા બાદ આ હોલ તૈયાર થઈ ગયો હોય ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે સાથે સાથે આ હોલનું ભાડું પણ નક્કી કરી લેવામાં આવ્યું છે જે 1000થી 15,000 રૂપિયા વચ્ચે રાખવામાં આવ્યું છે.
વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલમાં બે બાળ પર બે યુનિટ રાખવામાં આવ્યા છે. પ્રથમ માળે યુનિટ નં.1કે જે નોન એ.સી. છે ત્યાં લગ્ન, સગાઈ, જનોઈ, ધાર્મિક પ્રસંગો, લૌકિક સહિતના પ્રસંગો માટેનું ભાડું પાંચ હજાર અને ડિપોઝિટ દસ હજાર, બેસણુ, ઉઠમણુ (4 કલાક માટે સવારે 8 થી 12 અથવા બપોરે 2 થી 6 ) માટે ભાડું એક હજાર અને ડિપોઝિટ પાંચ હજાર, કોમર્શિયલ હેતુ માટે ભાડું આઠ હજાર અને ડિપોઝિટ દસ હજાર રૂપિયા રાખવામાં આવી છે.
આ પણ વાંચો :રાજકોટમાં વધુ એક દુ*ષ્કર્મનો બનાવ: ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ કથિત પોલીસમેને યુવતી પર કુકર્મ ગુજારી સંપર્ક તોડી નાખ્યો
આ ઉપરાંત બીજા માળે યુનિટ નં.૨ કે જ્યાં એ.સી.હોલ આવેલો છે ત્યાં લગ્ન, સગાઈ, જનોઈ, ધાર્મિક પ્રસંગો, લૌકિક સહિતના પ્રસંગો માટેનું ભાડું દસ હજાર અને ડિપોઝિટ 15,000 બેસણું અને ઉઠમણાનું ભાડું બે હજાર તેમજ ડિપોઝિટ 10,000 અને કોમર્શિયલ હેતુ માટેનું ભાડું 15,000 તેમજ ડિપોઝિટ 20,000રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
