VIDEO : હવે મરઘાગેંગનો ‘વારો’! શૂટર સહિત ત્રણ પકડાયા, રાજકોટ પોલીસે મૂર્ઘાની ચાલ ચલાવી કરાવ્યું કાયદાનું ભાન
ગત 29 ઓક્ટોબરે મંગળા રોડ પર પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે ફાયરિંગનો બનાવ બનતાં જ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની ટીમે એક બાદ એક આરોપીને પકડવાનું શરૂ કરતા 14 દિવસમાં બન્ને ગેંગના કુલ 20 ટપોરી પકડાઈ ગયા છે. પેંડા ગેંગના લગભગ તમામ આરોપી પકડાઈ ગયા બાદ હવે ક્રાઈમ બ્રાન્ચે મરઘાગેંગનો `વારો’ લઈને રાજકોટમાં એક બાદ એક ગુનાને અંજામ આપનાર શૂટર સમીર ઉર્ફે મરઘો સહિત ત્રણ લોકોને પકડી પાડી કાયદાનું આગવી ઢબે ભાન કરાવતા ત્રણેય ભાંભરડા નાખી ગયા હતા.
આજે(13 નવેમ્બર) સમીર ઉર્ફે મૂર્ઘો અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને ઘટનાસ્થળ પર લઇ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. આ દરમિયાન બંને આરોપીએ હાથ જોડી માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે મૂર્ઘા ગેંગના મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના સાગરીત સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને મૂર્ઘાની ચાલ ચલાવવામાં આવી હતી.
ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની ટીમે માલિયાસણથી મરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સોહિલ ઉર્ફે ભાણો એમ ત્રણને દબોચી લીધા હતા.
ધરપકડ બાદ ત્રણેયની આગવી ઢબે પૂછપરછ કરાતા જણાવ્યું હતું કે ફાયરિંગ કર્યા બાદ ત્રણેયે રાજકોટ છોડી દીધું હતું અને ત્રણેક દિવસ સુધી ઉત્તરપ્રદેશની અલગ-અલગ હોટેલમાં રોકાયા હતા. આ પછી ત્યાંથી અન્ય શહેરો તેમજ રાજ્યમાં નાસી રહ્યા હતા. બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ ઉત્તરપ્રદેશ આવી હોવાની જાણ થતાં ત્યાંથી પણ ભાગી ગયા હતા. એકંદરે આ ત્રણેયને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ઠેકઠેકાણે ચેકિંગ કર્યું હતું પરંતુ હાથમાં આવ્યા ન્હોતા. આખરે ત્રણેય માલિયાસણ પાસેથી નીકળવાના હોવાની બાતમી મળતા જ વોચ ગોઠવી પકડી લેવાયા હતા.
પેંડાગેંગ ઉપર સમીર ઉર્ફે મુરઘો અને સોહિલ ઉર્ફે ભાણાએ ફાયરિંગ કર્યું હતું જ્યારે શાહનવાઝની ત્યાં હાજરી હોવાનું ડીસીપી ક્રાઈમે જણાવ્યું હતું. એકંદરે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પેંડા ગેંગના 13 અને મરઘા ગેંગના સાત ટપોરીને પકડી લેવાયા છે જ્યારે મરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સંજલો હજુ ફરાર હોય તેને પકડવા અલગ-અલગ ટીમ દોડી રહી છે.
પેંડા ગેંગના સાગરિતને હથિયાર કોલેજિયને સપ્લાય કર્યું’તું
મંગળા રોડ પર પેંડા ગેંગને હથિયાર આપવાના ગુનામાં પકડાયેલા સંજયરાજસિંહ ઉર્ફે ચીન્ટુ મહેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરતાં તેને આ હથિયાર ઋતુરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.25)એ આપ્યું હોવાની કબૂલાત આપતા તેના આધારે પોલીસે ઋતુરાજસિંહની ધરપકડ કરી દેશી બનાવટનો તમંચો તેમજ ત્રણ જીવતા કાર્ટિસ કબજે કર્યા હતા. તપાસમાં ખુલ્યા પ્રમાણે ઋતુરાજસિંહ રાજકોટની એક ખાનગી કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેની સામે ગાંધીગ્રામ, માલવિયાનગર અને આજી ડેમ પોલીસ મથકમાં ગુના પણ નોંધાયેલા છે.
