VIDEO: હનીટ્રેપની ‘રમત’માં દલિત યુવકની હ*ત્યા! રાજકોટના રૈયાધારમાં ખેલાયેલા ખૂની ખેલમાં નવો ખુલાસો,3 આરોપીની ધરપકડ
રાજકોટના રૈયાધારમાં ડ્રિમસિટી એપાર્ટમેન્ટની સામે દ્વારકેશ પાર્ક મેઈન રોડ પર રવિવારે રાત્રે 9:45 વાગ્યા આસપાસ સ્વિફ્ટ કાર અને બાઈક પર ધસી આવેલા પાંચેક જેટલા શખસે યુવકને ધારિયા, કુહાડી, લાકડીના એક બાદ એક ઘા મારી દઈ ઘાયલાવસ્થામાં જ તેને કારમાં બેસાડી 150 ફૂટ રિંગરોડ પર શિતલ પાર્ક નજીક ફેંકી દીધાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. યુવકનું સોમવારે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આ હત્યા રસના ચિચોડા બાબતે મહાપાલિકામાં મૃતક યુવાન દ્વારા કરવામાં આવી રહેલી અરજીને કારણે થઈ હોવાનું નોંધાયું હતું પરંતુ તપાસ કરતાં નવી જ બાબત સામે આવી હતી. એકંદરે આ હત્યા પાછળ હનીટ્રેપની ‘રમત’ પણ કારણભૂત હોવાનું સામે આવતાં પોલીસે હવે તે દિશામાં પણ તપાસ આદરી છે.
લાકડી, ધારિયા, કુહાડીથી ભાવેશ પર હુમલો કર્યો
આ અંગે મૃતક ભાવેશ ડાયાભાઈ વાણવીના મિત્ર રાહુલ કાનજીભાઈ પરમાર (ઉ.વ.25)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે, ભાવેશ વાણવી અને ભાવેશનો ભત્રીજો પ્રિન્સ વાણવી ભાવેશના ઘેર જમવા માટે જઈ રહ્યા હતા ત્યારે ડ્રિમ સિટી પાસે પહોંચતાં જ 4 થી 5 શખસો સ્વિફ્ટ કાર તેમજ બાઈક લઈને ધસી આવ્યા હતા અને બાઈક આડે કાર ઉભી રાખી લાકડી, ધારિયા, કુહાડીથી ભાવેશ પર હુમલો કર્યો હતો. પાંચેયે ભાવેશ ઉપરાંત પ્રિન્સને પણ માથામાં માર મારતાં તેને લઈને રાહુલ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. જ્યારે હુમલાખોરોએ ભાવેશને સ્વિફ્ટ કારમાં લઈ જઈ શીતલ પાર્ક પાસે ફેંકી દેતાં ત્યાંથી તેને ઘાયલ અવસ્થામાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ હુમલો હમીર મેરા જોગરાણા (રહે. રૈયાધાર, રાધેશ્યામ ગૌશાળાની બાજુમાં મફતિયાપરા)એ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. હમીરનો જલારામ ચોકમાં રસનો ચિચોડો આવેલો હોય તે બાબતે ભાવેશે મહાપાલિકામાં ફરિયાદ કરી હોવાથી આ બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.
3 આરોપીની પોલીસે કરી ધરપકડ
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હત્યાના આ બનાવમાં હમીર જોગરાણા ઉપરાંત, સાગર, રવિ, ગોપાલ અને લાલો એમ 5 લોકો સામેલ છે ત્યારે આ મામલે 3 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રવિ જોગરાણા,સાગર જોગરાણા,ગોપાલ જોગરાણાની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી હમીર જોગરાણા પોલીસ પકડથી દૂર છે.
બીજી બાજુ તપાસ કરતા એવી વિગત પણ સામે આવી હતી કે બનાવને અંજામ આપનાર હમીર મેરા જોગરાણાએ હત્યાના 2 દિવસ પહેલાં એટલે કે 14-3-2026ના પોલીસ કમિશનર કચેરીમાં એક અરજી કરી હતી જેમાં તેને બ્લેકમેઈલિંગ કરવામાં આવી રહ્યાનું તેમજ ભાવેશ વાણવી સહિતના 5 લાખની માંગણી કરી રહ્યા હોવાનું અને જો પૈસા નહીં આપે તો છેડતી અને દુષ્કર્મની ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. બનાવ પાછળ રસના ચિચોડાની સાથે જ હનીટ્રેપની ‘રમત’ પણ જવાબદાર હોવાનું ખુલ્યું છે.
હત્યાના એક દિવસ પહેલાં હમીર જોગરાણાએ કરેલી અરજીમાં શું લખ્યું છે?
પોલીસ કમિશનરને સંબોધીને હમીર જોગરાણાએ લખેલી અરજીમાં જણાવ્યું છે કે તેનો રસનો ચિચોડો જલારામ ચોક પાસે આવેલો છે જ્યાં હમીર કારમાં પેસેન્જરને બેસાડી ભાડા કરવાનો ધંધો કરતો હતો. દરમિયાન ભાવેશ વાણવીની પરિચિત યુવતીએ જેતપુર જવા માટે હમીરની ગાડી 2500 રૂપિયામાં બાંધી હતી. આ પછી તેણે હમીરનું ઈન્સ્ટાગ્રામ આઈડી પણ માંગ્યું હતું. ત્યારબાદ યુવતીએ તેના આઈડી પરથી હમીરને મેસેજ અને કોલ ચાલુ કર્યા હતા. જેતપુરમાં કામ પૂર્ણ થઈ જતાં હમીર યુવતીને લઈને રાજકોટ આવી ગયો હતો પરંતુ ભાડું ચૂકવ્યું નહોતું. ત્યારબાદ ભાવેશ વાણવી અને તેની સાથે 3 જેટલા લોકો ધસી આવ્યા હતા અને હમીરને કહ્યું હતું કે ‘તે મારી પત્નીની છેડતી કરી છે’ની ધમકી આપી ફરિયાદ કરવાનું કહીને 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ પછી છરી બતાવી હમીર પાસેથી ફોર-વ્હીલની ચાવી પણ ઝૂંટવી લીધી હતી અને જો પૈસા નહીં આપે તો ભાવેશની પરિચિત યુવના કપડાં ફાડી હમીર ઉપર છેડતી તેમજ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવા કહ્યું હતું.
આ પણ વાંચો:Indian Ships Via Hormuz: ‘નંદાદેવી જહાજ’ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી જામનગરના વાડીનાર બંદરે 46 હજાર મેટ્રિક ટન LPG ભરીને પહોંચ્યું
ભાવેશે પોતે પ્રેસમાં હોવાનું અને હમીરના ઈન્સ્ટાગ્રામ આઈડીમાંથી વીડિયો લઈ વાયરલ પણ કર્યા હતા. ત્યારબાદ ભાવેશની પરિચિત યુવતી તેમજ તેની સાથે આવેલી અન્ય સ્ત્રીઓ જલારામ ચોકમાં હમીરના ભાઈના રસના ચિચોડે આવતાં લોકોને ઈશારા કરીને બોલાવે છે અને ખોટી ફરિયાદ કરે છે. આ ઉપરાંત હમીરના ભાઈના ચિચોડા સામે પણ મહાપાલિકામાં ખોટી અરજી કરી હેરાન કરતા હોય હમીરે મુંજકા પોલીસ મથકમાં અરજી કરી હતી જે મુદ્દે સમાધાન પણ થઈ ગયું હતું. જો કે પૈસાની માંગણી ચાલુ જ રાખવામાં આવી હોય ભાવેશ વાણવી, તેની પરિચિત યુવતી તેમજ અન્ય 3 મહિલા સામે કાર્યવાહી કરવા અરજીમાં જણાવ્યું હતું.

ભાવેશ વાણવી 15 દિવસ પહેલાં જ પાસામાંથી બહાર આવ્યો હતો
જાણવા મળ્યા પ્રમાણે જેની હત્યા થઈ તે મૃતક ભાવેશ ડાયાભાઈ વાણવી વિરુદ્ધ ફોન પર ધમકી આપવા, ગાળાગાળી કરવા, પૈસા માંગવા સહિતના ગુના નોંધાયેલા હોય તેને પાસા હેઠળ જેલહવાલે કરવામાં આવ્યો હતો. આ કેસમાં 15 દિવસ પહેલાં જ ભાવેશ જેલમાંથી બહાર આવ્યો હતો.
ભાવેશની હત્યામાં 4 સગા ભાઈ સહિત 5 લોકોની સંડોવણી
પોલીસ તપાસમાં એવો ખુલાસો પણ થયો છે કે ભાવેશ વાણવીને બેરહેમીપૂર્વક રહેંસી નાખવામાં હમીર મેરા જોગરાણાની સાથે સાગર મેરા જોગરાણા, લાલો ઘૂઘાભાઈ સભાડ, રવિ મેરાભાઈ જોગરાણા અને ગોપાલ મેરાભાઈ જોગરાણાની પણ સંડોવણી છે. આ પૈકી હમીર, સાગર, રવિ અને ગોપાલ 4 સગા ભાઈઓ છે જ્યારે લાલો હમીરનો રસનો ચિચોડો સંભાળતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. પોલીસે લાલા સભાડના પિતા અને ભાઈને રાત્રે જ ઉઠાવી લઈ આગવી ઢબે પૂછપરછ પણ કરી હતી.

મૃતકના પરિવારજનોનો હોસ્પિટલે હોબાળો: પોલીસને કહ્યું, વર્દી ઉતારી નાખો, ધોઈને સંકેલી આપીએ!
જેની હત્યા થઈ તે ભાવેશ વાણવીના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલે હોબાળો કરતાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. એકંદરે આરોપીઓ ન પકડાતાં ભાવેશના પરિવારજનો તેમજ અનુસુચિત સમાજના આગેવાનો વિફર્યા હતા. દરમિયાન મૃતકના કાકીએ પોલીસને પડકાર ફેંકતાં કહ્યું કે તમારામાં આરોપીને પકડવાની ત્રેવડ ન હોય તો વર્દી ઉતારી નાખો, લાવો અમે ધોઈને સંકેલી આપીએ. જ્યારે મૃતક ભાવેશના પત્ની પોસ્ટમોર્ટમ રૂમની સામે જ સૂઈને વિરોધ નોંધાવ્યો હતો. એકંદરે ભાવેશના મૃતદેહને સાથે રાખી આગેવાનોએ પોલીસ કમિશનર કચેરીએ જવાનું જાહેર કરતાં જ મૃતદેહ સોંપાયો નહોતો જેથી તમામે કલેક્ટર કચેરીએ ધસી જઈ રોષપૂર્વક રજૂઆત કરી હતી.
