VIDEO : રાજકોટના લાખાજીરાજ રોડ પર વિજિલન્સ ટીમ અને વેપારીઓ વચ્ચે માથાકૂટ : દુકાનોનો સામાન ફૂટપાથ પરથી ઉઠાવતા બબાલ
રાજકોટની સૌથી જૂની ખરીદી બજાર એવી લાખાજીરાજ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓની દુકાન બહાર ફેરિયાઓ દ્વારા પથારો પાથરવામાં આવતો હોય વારંવાર ટ્રાફિકજામ સહિતની સમસ્યા સર્જાઈ રહી હતી જેના કારણે કોર્પોરેટરથી લઈ મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય, સાંસદ સહિતનાને ફરિયાદ કરાતા અહીં મહાપાલિકાની દબાણહટાવ શાખા દ્વારા વિજિલન્સ બંદોબસ્ત સાથે દબાણ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
જો કે આ કાર્યવાહીને કારણે ‘લીલા સાથે સૂકું પણ બળે’ની માફક ફેરિયાઓની સાથે જ વેપારીઓ દ્વારા પણ કરાયેલું દબાણ જપ્ત કરી લેવામાં આવતાં અંદરોઅંદર તડા પડયા હતા અને ગુરૂવારે સાંજે વેપારીઓ તેમજ ફેરિયાનું ટોળું લાખાજીરાજ માર્કેટ એસો.ના હોદ્દેદારની દુકાનમાં ઘૂસી જઈ ધમાલ મચાવતાં અફડાતફડી મચી જવા પામી હતી.
આ પણ વાંચો : રાજકોટથી મુંબઈની એર ઇન્ડિયાની સવારની ફલાઇટ 1.ઓક્ટો.થી થશે શરૂ, જાણો ટાઈમ શેડ્યૂલ

આ અંગે માર્કેટ એસો.ના હોદ્દેદાર હિતેશ અનડકટે જણાવ્યું કે દબાણો વિરુદ્ધ વેપારીઓ જ એકમત નહીં થતાં હવે આ મુદ્દે અમારા દ્વારા કોઈ જ રજૂઆત કરવામાં આવશે નહીં. વેપારીઓ દ્વારા મારી દુકાન પર ઘસી આવી ઉગ્ર રજૂઆત સાથે એવું કહેવામાં આવે છે કે તમારા કારણે અમારા પણ પૂતળા સહિતનો સામાન મહાપાલિકા જપ્ત કરી લેતી હોય હવે ભલે આ દબાણ અહીં થાય પરંતુ કોઈએ ફરિયાદ કરવાની થતી! એકંદરે આ પ્રકારે માથાકૂટ વકરે નહીં તે માટે હવે કોઈ જ રજૂઆત કરશું નહીં.
