VIDEO : અક્ષયકુમારે નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી, હાટકેશ્વર મંદિરમાં દર્શન કરી પુરાતત્વ સંગ્રહાલય નિહાળ્યુ
અમદાવાદમાં યોજાયેલા ફિલ્મ ફેર એવોર્ડમાં હાજરી આપવા માટે આવેલા અભિનેતા અક્ષયકુમારે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાત લીધી હતી અને પ્રખ્યાત હાટકેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. અક્ષય કુમારે હાટકેશ્વર મંદિરના દર્શન બાદ વડાપ્રધાન મોદી જ્યાં ભણ્યા છે તે પ્રેરણા સ્કૂલની પણ મુલાકાત લીધી હતી . આ ઉપરાંત વડનગરમાં બનેલા અદ્યતન પુરાતત્વ સંગ્રહાલયનો પણ પ્રવાસ કર્યો હતો.

અક્ષયકુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘ હું ગુજરાત આવ્યો તો મને જાણ થઈ કે, અહીંનું હાટકેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને તેના વિશે અગાઉ પણ ઘણું સાંભળ્યું હતું, એટલે મેં આ મંદિરે દર્શન માટે આવવાનું નક્કી કર્યું હતું અને આજે દર્શન કરીને અભિભૂત થયો છું.
આ પણ વાંચો :શુભમન ગિલે સદી ફટકારીને રચ્યો ઇતિહાસ : ‘બેસ્ટ’ કેપ્ટન બન્યો, રોહિત શર્માનો રેકોર્ડ તોડી કોહલીની કરી બરાબરી

પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે, ‘મને મંદિરની અંદર કેટલીક અદ્ભુત બાબતોનો અનુભવ થયો. જ્યારે મંદિરમાં શાંતિ હોય છે ત્યારે ધીમે ધીમે ‘ઓમ નમઃ શિવાય’ની ધ્વનિ સંભળાય છે. મને મંદિરના પંડિતે જણાવ્યું કે અહીંનું શિવલિંગ સ્વયં પ્રગટ થયું હતું.’
અક્ષય કુમાર હાલ પ્રિયદર્શન અને સૈફ અલી ખાન સાથેની ફિલ્મ ‘હૈવાન’ના શુટિંગમાં વ્યસ્ત છે. આ વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

અક્ષય કુમારની તાજેતરની ફિલ્મ ‘જોલી એલએલબી 3’ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી. લાંબા સમય પછી તેને ક્લીન હિટ ફિલ્મ મળી હતી. હવે અક્ષય ઘણી કોમેડી ફિલ્મોમાં જોવા મળશે. તે આવતા વર્ષે પ્રિયદર્શનની ત્રણ ફિલ્મો – ‘ભૂત બંગલા’, ‘હૈવાન’ અને ‘હેરા ફેરી 3’માં દેખાશે. આ ઉપરાંત, તે મલ્ટી-સ્ટારર કોમેડી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ કામ કરે છે અને નીરજ પાંડેની સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘ક્રેક’માં પણ જોવા મળી શકે છે.
