રાજકોટ હીરાસર એરપોર્ટ પર વાઇબ્રન્ટ વેવ્ઝ: જર્મન ટેક.થી સજ્જ જૂનું ટર્મિનલ ફરીથી ચમકયુ, સાફ સફાઈ કરી ચેર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઇ
આગામી સપ્તાહે રાજકોટમાં યોજાનારી ભવ્ય વાઈબ્રન્ટ સમીટને લઈને વાઈબ્રન્ટ વેવ્ઝ જોવા મળે છે.રાજકોટના હીરાસર એરપોર્ટ પર સમીટની આગોતરી તૈયારીઓ તેજ બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશ-વિદેશમાંથી આવનારા બિઝનેસ ડેલીગેશન અને અનેક મહાનુભાવોના આગમનને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓથોરિટી રાઉન્ડ ધ કલોક કામગીરીમાં વ્યસ્ત છે.

મળતી માહિતી મુજબ, નવા ટર્મિનલ કાર્યરત થવા પૂર્વે હંગામી ધોરણે જર્મન ટેકનોલોજીથી બનાવાયેલ જૂના ટર્મિનલને ફરીથી ચમકાવવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનાથી નવું ટર્મિનલ શરૂ થતાં આ જૂનું બિલ્ડીંગ બંધ હાલતમાં હતું અને ત્યાં અગાઉ કાર્ગો ફ્લાઈટ સંચાલનની યોજના હતી. પરંતુ હવે વડાપ્રધાનની રાજકોટ મુલાકાત અને ત્રણ દિવસીય વાઈબ્રન્ટ સમીટમાં આવનારા મહેમાનોને લઈ આ જૂના ટર્મિનલની સફાઈ કરી ચેર સહિતની બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ અંગે એરપોર્ટ ડિરેકટર દિગંત બોરાહ એ કહયું હતું કે, અહીં બોર્ડિંગ કે ડી-બોર્ડિંગ નહીં થાય પણ સીટીંગ અરેજમેન્ટ કરાયું છે.

અનુમાન છે કે બિઝનેસ ડેલીગેશન તેમજ ખાસ ચાર્ટર્ડ વિમાનો દ્વારા આવનારા મહેમાનો માટે આ જૂના ટર્મિનલનો ઉપયોગ કરવામાં આવશે. મહેમાનોને સુવિધાજનક વ્યવસ્થા મળે તે માટે એરપોર્ટ પર દરેક સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :પેવિંગ બ્લોક બાબતે RMCના આસિસ્ટન્ટ ઇજનેર પર ફડાકાવાળીઃ વીજળીક હડતાલ, કોન્ટ્રાક્ટરે હાથ ઉપાડતાં કર્મચારીઓમાં રોષ
ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સમીટ અંતર્ગત 8મી તારીખથી એરપોર્ટ પર રેપીડો કાર સેવા, ફૂડ કેન્ટીન સહિતની વિવિધ સુવિધાઓ પણ શરૂ કરવામાં આવશે. સમગ્ર આયોજનને લઈ વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી સમન્વય સાથે કામગીરી કરી રહ્યા છે.
