રાજકોટમાં યોજાશે વાઇબ્રન્ટ સમિટ : 8 અને 9 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન
વર્ષ 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, વિશ્વભરના ઉદ્યોગ-રોકાણકારો માટે ગેટ-વે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી હોવાનું જણાવતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પેટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના લોન્ચ કરી હતી. આ તકે તેમને ઉમેર્યું હતું કે,ગુજરાતની આ ઈમેજને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા અને વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી પહેલમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી આપણે કરવી છે.જે અન્વયે આગામી તા.8 અને 9 જાન્યુઆરીના રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનની વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાશે.

વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના લોન્ચ કાર્યક્રમમાં સંબોધન કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કોન્ફરન્સના લોગો, વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું.રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડીનેસની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી 9, 10 ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે. ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે. કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યો કરતા પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓમાં છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતમાં યોજાયેલી ગત વાઇબ્રન્ટ સમિટમાં 45 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું અને 2600થી વધારે એમોયુ થયા હતા. આ સફળ આયોજનના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક જિલ્લા અને તાલુકા તેમજ ગુજરાતના છેવાડાના માનવીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડી શકાય એ માટે ફરી એકવાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.વર્ષ 2003 લઈને 2025 સુધીમાં 5.50 લાખ કરોડ રૂપિયાનું સીધું વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે.
ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે આગામી સમયમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ સંમેલનો રાજ્યના ચાર મુખ્ય પ્રાદેશિક કેન્દ્રોમાં યોજાશે. જેમાં ઉત્તર ગુજરાત માટે મહેસાણા (9-10ઓક્ટોબર 2025), કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટ (8-9 જાન્યુઆરી 2026), દક્ષિણ ગુજરાત માટે સુરત (9-10એપ્રિલ 2026) અને મધ્ય ગુજરાત માટે વડોદરા (10-11 જૂન 2026) નો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલ, જીઆઈડીસીના એમ.ડી.પ્રવીણા ડી.કે., ઈન્ડેક્ષ બીના જોઈન્ટ એમ.ડી. કેયુર સંપત સહિત બહોળી સંખ્યામાં ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.
