Vibrant Summit Rajkot: રિલાયન્સ, અદાણી, એસ્સારના વિશાળ પેવેલિયન બનશે! ઉદ્યોગપતિઓને રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની વિઝિટ કરાવાશે
રાજકોટમાં તા.10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે અને સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોની તૈયારી પણ ચાલી રહી છે. હાલમાં જ્યાં વાઈબ્રન્ટ યોજાવાની છે તે મારવાડી યુનિવર્સિટીમાં વિવિધ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. કલેકટર કચેરીના સુત્રો અનુસાર, મારવાડી યુનિવર્સિટીની બાજુમાં આવેલી વિશાળ જગ્યામાં ખાસ ભવ્ય અને આધુનિક પેવેલિયનનું નિર્માણ કરવામાં આવશે.આ સ્થળે કુલ અંદાજે 25,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં 6 વિશાળ પેવેલિયન ઉભા કરાશે.
જેમાં રાજ્ય અને દેશની અગ્રણી સંસ્થાઓ તથા ઉદ્યોગોને પ્રદર્શન માટે જગ્યા ફાળવવામાં આવશે. આ પેવેલિયનમાંથી GSFC, GNFC, અદાણી ગ્રુપ, રિલાયન્સ, એસ્સાર જેવી જાણીતી કંપનીઓ ઉપરાંત MSME, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રૂરલ ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ્સ માટે વિશેષ એક્ઝિબિશન આયોજન કરાશે. વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ઉદ્યોગ, રોકાણ, નવીનતા અને રોજગારના અવસરને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને પ્રતિનિધિઓ રાજકોટમાં આવશે તે રીતે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
દરમિયાન તા. 11મીએ મહેમાનો માટે અટલ સરોવર ખાતે જે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે હવે ફેરવીને મારવાડી યુનિવર્સિટીમાં જ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ ટોચના સુત્રોએ જણાવ્યું છે.
વર્લ્ડ બેન્કના અધિકારીઓ આવશે
ગુજરાત@2047ઃ બ્લ્યુ ઈકોનોમીની સંભાવનાઓને ઉજાગર કરવા સંદર્ભે યોજાનારા સ્પેશીયલ સેશનમાં વર્લ્ડ બેન્કના ક્લાઈમેટ ચેન્જ સ્પેશીયાલીસ્ટ યેશીકા મલિક ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડનાં સીઈઓ બીજયકુમાર મેહરા, ઇન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશનનાં એનાલીસ્ટ પૃધવી શંકર ઉપરાંત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સંબોધન કરવાના છે.
ઉદ્યોગપતિઓને રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની વિઝિટ કરાવાશે
આ સમિટના આયોજન સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર, આ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી રોકાણકારો આવી રહ્યા છે અને તેમને અહીંથી 65 કિલોમીટર દુર આવેલી રામપરા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીની મુલાકાતે લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ટુર ગોઠવવામાં આવી છે. તા. 10મીએ સવારે 5 વાગ્યે મારવાડી યુનિવર્સીટીથી આ ટુર રવાના થશે જે ત્યાં પહોંચી 8 વાગ્યા સુધી ત્યાં રહેશે અને ત્યાર બાદ બધા ત્યાંથી પરત આવશે.
