વડાપ્રધાને 11 રાજ્યો માટે 9 વન્દે ભારત ટ્રેનોને લીલીઝંડી આપી,દેશમાં આ ટ્રેનની સંખ્યા 33 થઈ
દેશને વડાપ્રધાને વધુ 9 વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી.વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 9 વંદે ભારતને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 9 ટ્રેન શરૂ થતા ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 33 થઈ છે . ત્યારે આજે જામનગર- અમદાવાદ, હૈદરાબાદ-બેંગલુર, કાસરગોડ-તિરૂવનંતપુરમ, જયપુર-ઉદયપુર, પટના-હાવડા, રાંચી-હાવડા, ચેન્નઈ-તિરૂનેલવેલી, પુરી-રાઉરકેલા, વિજયવાડા-ચેન્નઈ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થઈ હતી.
આ પ્રસંગે એમણે કહ્યું હતું કે આજે દરેક દેશવાસીને ભારતના આત્મવિશ્વાસ અને પ્રગતિ પર ગૌરવ છે. વન્દે ભારત રેલગાડીઓએ પર્યટન અને આર્થિક ગતિવિધિને ઝડપી બનાવી છે.
આ ટ્રેનો 11 રાજ્યોના ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડશે, જેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે.
મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવી ટ્રેનોના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે, દેશમાં આધુનિક કનેક્ટિવિટીનો વિસ્તાર કરવાની આ અભૂતપૂર્વ તક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની આ ઝડપ અને સ્કેલ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સાથે બરાબર મેળ ખાય છે.
આજનું ભારત આ જ ઈચ્છે છે. આ યુવાનો, ઉદ્યોગસાહસિકો, મહિલાઓ, ઉદ્યોગપતિઓ અને નવા ભારત સાથે જોડાયેલા લોકો માટે પ્રેરણા છે. આજે એક સાથે 9 વંદે ભારત ટ્રેનની શરૂઆત પણ તેનું ઉદાહરણ છે.
વડાપ્રધાને કહ્યું કે, અત્યાર સુધી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોને હવે 25 વંદે ભારત ટ્રેનની સુવિધા મળી રહી છે. હવે તેમાં વધુ 9 વંદે ભારત ઉમેરવામાં આવશે. હવે તે દિવસ દૂર નથી જ્યારે વંદે ભારત દેશના દરેક ભાગને જોડશે.
વંદે ભારત ટ્રેનોએ પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપ્યો છે. જ્યાં વંદે ભારત ટ્રેન પહોંચી રહી છે ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે ત્યાં રોજગારીની તકો પણ ઉભી થઈ રહી છે.