વલસાડ : 6 વર્ષની ફુલ જેવી બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસી, બાળકીના પરિવારને 17 લાખનું વળતર ચૂકવાશે
આજથી સવા બે વર્ષ પહેલાં એટલે કે 23-10-2023ના સવારે 11 વાગ્યા આસપાસ વલસાડ જિલ્લાના નાના ડુંગરા ગામે સીમ વિસ્તારમાં ઝાડીઝાંખરામાંથી 6 વર્ષની ફુલ જેવી બાળકીનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં જ વલસાડ એસપી ડૉ.કરણરાજ વાઘેલાએ તાત્કાલિક ડુંગરા પોલીસ મથક ઉપરાંત એલસીબી સહિતની ટીમને સ્થળ પર દોડાવી આરોપીને પાતાળમાંથી શોધી લાવવાનો આદેશ આપતા એક્શન શરૂ થયા હતા. પોલીસે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેના ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યાનું પણ સામે આવ્યું હતું જેના કારણે બનાવ અત્યંત ગંભીર બની ગયો હતો.
આ પછી પોલીસે દિવસ-રાત એક કરીને આ જઘન્ય અપરાધને અંજામ આપનાર આરોપીની શોધખોળ કરવા માટે તમામ સીસીટીવી ચેક કરવા તેમજ બાતમીદારોનું નેટવર્ક એક્ટિ કરાતાં આ ગુનાને રજાક સુભાનખાન (ઉ.વ.42) નામના શખસે આચર્યો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા પારખીને પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ મેડિકલ, સાયન્ટીફિક, સાંયોગિક, ફોરેન્સીક, ટેક્નીકલ, દસ્તાવેજી પૂરાવા એકઠા કરી જડસેબલાક ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કેસનો ચાર ડિસેમ્બર-2025ના વાપી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં રજાક સુભાનખાનને ફાંસીની સજા ફરમાવાઈ હતી તો પીડિત બાળકીના માતા-પિતાને 17 લાખનું વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. ભોગ બનનાર બાળકી મુળ દિલ્હીની વતની હતી અને તેની માતા સાથે નાનાના ઘેર રહેતી હતી. જ્યારે માતા નાના ડુંગરા વિસ્તારમાં ભંગારના વાડામાં મંજૂરી કામ કરતા હતા. રજાકે બાળકીને લલચાવી-ફોસલાવી અપહરણ કરીને લઈ જઈ કુકર્મ કર્યું હતું.
આ પણ વાંચો :ફળઝાળ હેતુ માટે જમીન મેળવી પણ ઝાડવા ન વાવ્યા! કણકોટમાં 3 સંસ્થાઓ સામે કાર્યવાહી, જમીન ખાલસા કરવા હુકમ
ગુનેગારને ફાંસીના માંચડા સુધી પહોંચાડવા માટે વલસાડ એસપી ડૉ.કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડુંગરા પોલીસ મથકના પીઆઈ મયુર પટેલ, વાપી ડિવિઝનના ડીવાયએસપી બી.એન.દવે સહિતના અધિકારીઓએ ચાર્જશીટ તૈયાર કરવામાં જહેમત ઉઠાવી હતી.
