વડોદરા : હરણી બોટ દુર્ઘટનાના મૃતકો માટે સહાયની જાહેરાત, જાણો કોને કેટલી રકમ આપવામાં આવશે ??
18મી જાન્યુઆરી, વર્ષ 2024નો એક એવો કાળો દિવસ જે ગુજરાતવાસીઓ ક્યારેય ભૂલી શકે નહીં. આ ઘટના હતી વડોદરાની હરણી બોટ દુર્ઘટના જેમાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત નિપજ્યાં હતા ત્યારે હરણી બોટ દુર્ઘટનાના 1 વર્ષને 21 દિવસ બાદ મૃતકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે.
વડોદરામાં ગત વર્ષે બનેલા હરણી બોટકાંડના બનાવ બાદ વડોદરા સિટી નાયબ કલેક્ટર વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. જેમાં પ્રત્યેક 12 મૃતક બાળકના પરિવાર માટે 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરાયું છે. એટલે કે, પ્રત્યેક બાળ મૃતકના પરિવારજનને 31,75,700 રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. તો મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900 નું વળતર જાહેર કરાયું છે. મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 નું વળતર જાહેર કરાયું છે. આ ઉપરાંત બે ઇજાગ્રસ્તોને 50-50 હજારનું વળતર જાહેર કરાયું છે. આ તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કર્યો છે. હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને આ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

કોને કેટલું વળતર
- મૃતક બાળક (પ્રતિ બાળક)ના પરિવારને 31,75,700 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત
- મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900 રૂપિયા
- મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 રૂપિયા
- બે ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા
શું બની હતી દુર્ઘટના ?
18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં આવેલા હરણી તળાવમાં પિકનિક પર આવેલા ન્યૂ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકોની એક બોટ પલટી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના ડૂબાવાથી મૃત્યુ થયા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા. હાઈકોર્ટ દ્વારા આ દુર્ઘટના કેસમાં સુઓમોટો દાખલ કરાઈ હતી. આ કેસના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટિયા પ્રોજેક્ટ નામથી એક ખાનગી પેઢીને તળાવ પ્રોજેક્ટના વિકાસનું કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં આરોપી પરેશ અને વત્સલ શાહ આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે. ‘ડોલ્ફિન એન્ટર ટેનમેન્ટ’ના માલિક નિલેશ કોટિયા દ્વારા આ પ્રોજેક્ટ માટે સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને બોટમેન નયન ગોહિલ હતો. આ કેસ અંગેના આરોપીઓ સામે કલમ 304, 308, 337, 114 સહિતની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાંમાં આવ્યો હતો.