રાજકોટ બાર એસો.ના સેક્રેટરીના રાજીનામા અંગે ચર્ચા કરવા તાકીદની બેઠક : રાજીનામું સ્વીકારી લેવામાં આવશે?
રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરીએ બારના વોટ્સએપ ગ્રુપમાં રાજીનામું ધરી દેતા વકીલ આલમમાં જાણે ભૂકંપ આવી ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, રાજીનામું આપ્યું હોવાના 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં બારના પ્રમુખ પોતાને કોઈ રાજીનામું મળ્યું ન હોવાનું કહે છે. આથી, આ અંગે આજે બાર દ્વારા ત્વરિત બેઠકનું આયોજન કરાયું છે. સેક્રેટરીએ જણાવ્યું કે, મારે કોઈ સાથે વ્યક્તિગત વાંધો નથી, અમારી કામ કરવાની પદ્ધતિ જુદી છે.
રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી સંદીપ એમ. વેકરીયાએ પ્રમુખ અને ઉપપ્રમુખ પર આક્ષેપો કરીને બુધવારે રાજકોટ બારના વોટ્સએપ ગ્રુપમાં પોતાનું રાજીનામું આપ્યું હતું. જોકે, આ રાજીનામા બાદ વકીલ આલમમાં થતી ચર્ચાઓ વચ્ચે “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં પ્રમુખ પરેશ મારુએ જણાવ્યું હતું કે, સેક્રેટરી સંદીપ વેકરીયાએ પોતાનું રાજીનામું હજુ સુધી રૂબરૂમાં આપ્યું નથી. બોડીને વોટ્સએપ દ્વારા જ આ અંગે જાણ થઈ. હવે આ અંગે બેઠક કરી સંદીપભાઈને સાંભળીને નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ, સેક્રેટરી સંદીપ વેકરીયાએ જણાવ્યું હતું કે, મારે કોઈ સાથે વ્યક્તિગત વાંધો નથી. અમારી કામ કરવાની પદ્ધતિ જુદી છે. તેમણે વધુ કહ્યું કે, જો કોઈ પોતાની ભૂલ સ્વીકારે છે તો મને કંઈ વાંધો નથી. બાર એક પરિવાર જેવું છે. તેવી વચ્ચે સૂત્રો પાસેથી જાણવા મળે છે કે, આજની બેઠકમાં તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવશે.
બાર એસોસિએશનની ચૂંટણી પહેલાં વકીલોમાં રાજકારણ શરૂ થઇ ગયુ?
રાજકોટ સહિત રાજ્યના 280 બાર એસોસિએશનની ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકોટ બારમાં ચૂંટણી પૂર્વે જ રાજકારણ શરૂ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ચાલુ બોડી આગામી સમયમાં રાજકોટમાં વકીલો માટે એક લીગલ સેમિનારનું આયોજન કરવા જઈ રહી છે. તેના પહેલાં જ સેક્રેટરીનું રાજીનામું આવ્યું છે. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળે છે કે, ચૂંટણી લક્ષી સામ-દામ-દંડ-ભેદની નીતિ ચાલુ થઈ ચૂકી છે. બોડીમાંથી 4 સભ્યોને રાજીનામા અપાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ લોકોએ ના પાડી દીધી હતી.
