કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22મી સપ્ટેમ્બરે આવશે રાજકોટ : રેસકોર્સ મેદાનમાં આયોજીત 7 સહકારી સંસ્થાઓની સામાન્ય સભામાં આપશે હાજરી
સામાન્ય રીતે રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સામાન્ય સભા વર્ષોથી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના માદરે વતન જામકંડોરણા ખાતે યોજાય છે. જો કે, આ વખતે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની હાજરીમાં રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જિલ્લા બેન્કની 66મી વાર્ષિક સાધારણ સભા યોજવા તડામાર તૈયારી શરૂ થઇ છે. બીજી તરફ રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણની વાતો વચ્ચે સહકારી નેતા જયેશ રાદડિયાએ અમિત શાહની હાજરીમાં જિલ્લા બેન્કની સામાન્ય સભા યોજી શક્તિ પ્રદર્શન કરવાની સાથે વિરોધીઓને જબરદસ્ત જવાબ આપવા પણ તખ્તો ઘડી કાઢ્યો હોવાનું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો :ITR ફાઇલ કરનારાઓ માટે મોટી રાહત : સરકારે એક દિવસ લંબાવી તારીખ, આજે છેલ્લો મોકો, મોડું કરશો તો લાગશે દંડ
રાજકોટમાં આગામી તા.22 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરીમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને 7 સહકારી સંસ્થાઓ દ્વારા વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.શહેરના રેસકોર્સ મેદાન ખાતે બપોરના સમયે યોજાનાર આ કાર્યક્રમમાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક ઉપરાંત રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી), જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘ, જિલ્લા સહકારી સંઘ, જિલ્લા સહકારી મુદ્રણાલય સંઘ, રાજકોટ કોટન યુનિયન તથા રાજકોટ જિલ્લા બેંકના કર્મચારીઓની મંડળી સહિત સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાનું એક સાથે આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :રાજકોટ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન : મોરબીના લેવીસ સિરામિક ગ્રૂપ સહિત 40 સ્થળો પર દરોડા, રેડ કરવા આવતી ટીમને નડ્યો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણની ગતિવિધિ તેજ બની છે તેવા સમયે જ મજબૂત સહકારી નેતા જયેશ રાદડિયાએ જામકંડોરણાને બદલે રાજકોટ ખાતે સાધારણ સભાનું આયોજ કરી વિરોધી જૂથને પોતાના સહકારક્ષેત્રની તાકાત બતાવવા ગત સપ્તાહે દિલ્હી ખાતે રૂબરૂ જઈ કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહને આમંત્રણ આપ્યું હતું. અમિત શાહે જયેશ રાદડિયાના આમંત્રણનો સ્વીકાર કરતા આગામી તા.22 સપ્ટેમ્બરના રોજ સોમવારે રેસકોર્સ મેદાન ખાતે સાતેય સંસ્થાઓની સાધારણ સભા યોજવા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે રાજકોટ જિલ્લા બેંક ભવન ખાતે ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલ રાદડિયા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવનાર છે.
