કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનાં હસ્તે રાજકોટથી દેશનાં 57 એરપોર્ટ પર સુવિધાની શરૂઆત, મુસાફરોને રૂ.10માં ચા, 20માં સમોસા મળશે
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે ઐતિહાસિક અવસર સર્જાયો હતો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુના હસ્તે રાજકોટ એરપોર્ટ પરથી દેશના એકસાથે 57 એરપોર્ટ પર વિવિધ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ એરપોર્ટ પર ઉડાન કાફે, ડિજીયાત્રા સેવા તેમજ અવસર સ્ટોલનું વિધિવત ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈ માટેની ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી હીરાસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી રાજકોટ આવવાની ઇચ્છા હતી અને આજે તે પૂર્ણ થઈ છે. ખાસ ગૌરવની વાત એ છે કે દેશના 57 એરપોર્ટ પર અનેકવિધ સુવિધાઓનું લોકાર્પણ રાજકોટ એરપોર્ટ પરથી કરવાનો અવસર મળ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં દેશના લોજિસ્ટિક્સ અને હવાઈ યાત્રા ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. હવે ‘ઉડાન યોજના – ઉડે દેશ કા આમ નાગરિક’ના કારણે સામાન્ય નાગરિક માટે પણ હવાઈ મુસાફરી સરળ અને સુલભ બની છે. મેટ્રો શહેરો ઉપરાંત નાના શહેરોમાં પણ એરપોર્ટના વિકાસને વેગ મળ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત વિઝન 2047’ અંતર્ગત આગામી 10 વર્ષમાં દેશભરમાં 350 નવા એરપોર્ટ વિકસાવવાની યોજના છે. રાજકોટ એરપોર્ટ માટે ગૌરવપૂર્ણ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2025 સુધીમાં રાજકોટ એરપોર્ટ પરથી 10 લાખથી વધુ યાત્રિકોએ હવાઈ મુસાફરી કરી છે. રાજકોટવાસીઓ માટે મહત્વની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે અને આ સપનું જલ્દી સાકાર થશે.
આ ઉપરાંત તેમણે તાત્કાલિક ધોરણે એર કાર્ગો સેવા શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટીને સૂચના આપી હતી. જૂના ટર્મિનલ ખાતે કાર્ગો સુવિધાનો વિકાસ અને વિસ્તરણ કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પગલાંથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગો અને વેપાર ક્ષેત્રને નોંધપાત્ર ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:આજે થાલા વગર ચેન્નાઈના ‘કિંગ્સ’ની ટક્કર રાજસ્થાનના ‘રોયલ્સ’સામે થશે: સેમસન-જાડેજા પોતાની નવી ઇનિંગનો પ્રારંભ જૂની ટીમ સામે જ કરશે
કેન્દ્રીય મંત્રીએ સાંસદ પરસોત્તમ રૂપાલાના સૂચનને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, એરપોર્ટ એડવાઇઝરી કમિટીની દર વર્ષે એવિએશન મંત્રાલય સાથે બેઠક યોજાશે, જેમાં દેશભરની કમિટીઓના સભ્યો એકત્રિત થઈ એરપોર્ટ વિકાસ અંગે સૂચનો આપશે.
તેમજ સાંસદ કેસરીદેવજી સિંહના સૂચન અનુસાર એરપોર્ટ પર સ્થાનિક સાંસ્કૃતિક ધરોહર દર્શાવતું મ્યુઝિયમ બનાવવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ, એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન વિપિનકુમાર, રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહ તેમજ એરપોર્ટ ઓથોરિટી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ એરપોર્ટ પરથી 10 લાખ પેસેન્જર્સની ઉડાનનો માઈલસ્ટોન
રાજકોટ એરપોર્ટ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાવતા કેન્દ્રીય એવિએશન મિનિસ્ટર રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે, વર્ષ 2025 સુધીમાં રાજકોટ એરપોર્ટ પરથી 10 લાખથી વધુ મુસાફરોએ હવાઈ યાત્રા કરી છે. હીરાસર એરપોર્ટ શરૂ થયા બાદ રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના હવાઈ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. મુસાફરોની વધતી સંખ્યા દર્શાવે છે કે રાજકોટ એરપોર્ટ હવે મહત્વપૂર્ણ એવિએશન હબ તરીકે ઉભરી રહ્યું છે.
ટૂંક સમયમાં અમદાવાદ ફલાઈટ દુર્ઘટનાનો રિપોર્ટ આવશે
મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, ગલ્ફ યુદ્ધની અસર સિવિલ એવિએશન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. ગલ્ફ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે, એર સ્પેસ બંધ થવાથી હવાઈ સેવાઓ પર અસર પહોંચી છે. તેમણે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા વૈકલ્પિક હવાઈ રૂટ ઉપલબ્ધ કરાવવા માટે અન્ય દેશો સાથે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ઓપરેશન મારફતે 5 લાખથી વધુ ભારતીયોને ગલ્ફ દેશોમાંથી સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે. અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશ મામલે પણ કેન્દ્રીય મંત્રીએ નિવેદન આપ્યું હતું કે સમગ્ર ઘટનાની ગંભીરતા સાથે યોગ્ય રીતે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટનાનો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.
મંત્રી નાયડુએ પેસેન્જરો સાથે ગાંઠિયા, ગુલાબજાંબુ અને ખમણનો સ્વાદ માણ્યો
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાજકોટ એરપોર્ટ પર શરૂ કરાયેલા ઉડાન કાફેની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પેસેન્જરો સાથે ફાફડા ગાંઠિયા,ખમણ અને ગુલાબજાંબુ જ્યાફત માણી હતી. મંત્રીનો આ સહજ અને સરળ અંદાજએ મુસાફરોનું મન મોહી લીધું હતું.
