ભાણેજને 30 લાખ વ્યાજે અપાવી મામા ફસાયા : મહિલા સરપંચના પતિ વ્યાજખોરની ચુંગાલમાં,ભાણો થયો ગાયબ
રાજકોટના લોધીડા ગામના મહિલા સરપંચના પતિ તેમના ભાણેજને 30 લાખ વ્યાજે અપાવી વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે લોધીડા દૂધ મંડળીની સામે રહેતા જગાભાઈ વિસાભાઈ ઝાપડીયાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે 2014માં તેમણે તેમના ભાણેજ વિનોદ જસમતભાઈ ચૌહાણને 30 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે રણછોડનગમાં ઓફિસ ધરાવતા પ્રકાશ ચાવડા પાસેથી લેવડાવ્યા હતા.
ભાણેજને ઓફિસ ખરીદવી હોય તેણે આ પૈસા વ્યાજે લીધા હતા. પૈસાના બદલામાં જગાભાઈએ પ્રકાશને જમીન પણ લખી આપી હતી. આ પછી ત્રણ મહિના સુધી વિનોદે વ્યાજ ભર્યું હતું અને ત્યારબાદ ગાયબ થઈ જતાં પ્રકાશે પૈસાની ઉઘરાણી જગાભાઈ પાસેથી કરવાનું શરૂ કર્યું હતું.
ભાણેજના બદલામાં મામા જગાભાઈએ એક વખત દસ લાખ પ્રકાશને પરત આપ્યા હતા. ત્યારપછી પ્રકાશે બાકીના પૈસાની ઉઘરાણી કરી ઘેર આવી પૈસા લઈ જશે તેવી ધમકી આપતા જગાભાઈ ડરી ગયા હતા. ફરિયાદમાં તેમણે જણાવ્યું કે તેમના પત્ની ગામના સરપંચ હોય આબરૂ જવાની બીકે તેમણે 2023માં જમીન વેચી પ્રકાશને 60 લાખ રોકડા આપી દીધા હતા. છ મહિના પહેલાં પત્ની હંસાબેન તેમજ ભત્રીજા સાથે તાલુકા પંચાયતની ઓફિસે મિટિંગમાં હાજરી આપી મોબાઈલ રિપેરિંગ કરાવવા એસ્ટ્રોન ચોક બાજુ જતા હતા ત્યારે પ્રકાશે ગાડી ઉભી રખાવી ઝઘડો કર્યો હતો. આ પછી તેણે ફેમિલી કોર્ટની બાજુમાં ભેગા થયા ત્યારે કહ્યું હતું કે સમાધાન કરવું હોય તો 1.48 કરોડ આપવા પડશે. પ્રકાશના ત્રાસથી કંટાળી જગાભાઈ દવા પણ પી ગયા હતા. એકંદરે 30 લાખના બદલામાં 91.60 લાખ ચૂકવી આપ્યા છતાં જમીનનું સાટાખત રદ ન કરી આપતો હોય સાથે સાથે વધુ 1.48 કરોડની માંગણી કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
