રાજકોટના લોકમેળામાં બિભત્સ ડાન્સ, તમાકુ અને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ : તમામ સ્ટોલ-પ્લોટમાં CCTV, અગ્નિશમનના સાધનો ફરજિયાત
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે તા.14ને ગુરુવારથી શરૂ થઈ રહેલા લોકમેળા માટે લોકમેળા સમિતિ દ્વારા આકરા નિયમો લાદ્યા છે, લોકમેળામા તમામ સ્ટોલ-પ્લોટ ધારકો માટે CCTV ફરજીયાત બનાવી અગ્નિશમનના સાધનો પણ ફરજીયાત લગાવવા આદેશ કરી ભાતીગળ લોકમેળામાં ભારતીય સંસ્કૃતિ લોપાય નહીં તે માટે બિભિત્સ ડાન્સની મનાઈ ફરમાવવામાં આવી છે સાથે જ મેળામાં તમ્બાકુ અને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

શહેરના રેષકોર્ષ મેદાન ખાતે તા.14 થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં ભાગ લેનાર તમામ ધંધાર્થી ઓ માટે લોકમેળા સમિતિ દ્વારા આકરા નિયમોનું પાલન કરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે જેમાં તમામ સ્ટોલ-પ્લોટમાં અગ્નિશમનના સાધનો રાખવા શરત મુકવામાં આવી છે જેમાં બોર્ડ રાખવું, રેતી ભરેલી ચાર ડોલ, પાણીના બે બેરલ, બે ફાયર એક્સીગ્યુટર, તમાકુ અને તમાકુની બનાવટોનું વેચાણ ઉપર પ્રતિબંધ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવો, કોઈપણ પ્લોટ-સ્ટોલમાં જાહેરાત નહીં કરી શકાય સહિતની શરતો મુકવામાં આવી છે. વધુમાં લોકમેળા સમિતિ દ્વારા મોટી રાઈડસ માટે 50 રૂપિયા તેમજ નાની રાઈડસ માટે 35 રૂપિયા ભાવ ફિક્સ કરવામાં આવ્યો છે તેમજ દરરોજ રાઈડસની ચકાસણી કર્યા બાદ જ રાઈડસ ચાલુ કરવાની રહેશે જેવી શરત મૂકી છે.
આ પણ વાંચો : જ્યારે વ્યક્તિ બીજું જીવનદાન મળે ત્યારે ! ફેફસા-હૃદય બંને થાકી ગયા પણ રાજકોટની ‘હેતલે’ હિંમત ન હારી,વાંચો અંગદાન બાદ મળેલી જિંદગીની કહાની
આ ઉપરાંત ભૂતકાળમાં લોકમેળામાં જાદુગર અને મોતના કુવામાં ગ્રાહકોને આકર્ષવા માટે બિભિત્સ ડાન્સ કરવામાં આવતા હોવાની ફરિયાદોને પગલે લોકમેળામાં બિભિત્સ ડાન્સ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ લોકમેળામાં લાઉડ સ્પીકર વગાડવા માટે અલગથી મંજૂરી લેવી, બાળમજૂર નહીં રાખવા તેમજ CCTV ફૂટેજ ઓછામાં ઓછા 30 દિવસ સાચવી રાખવાની કડક શરત મુકવામાં આવી છે.
