ઉદ્વવે મને મુખ્યમંત્રીપદની ઓફર કરી હતી: શિંદેંનો દાવો
વર્ષ 2022માં શિવસેનામાં બળવો થયો ત્યારે ઉદ્વવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે બંનેને મુખ્યમંત્રી પદની ઓફર કરી હોવાનો ધડાકો થયો છે. એકનાથ શિંદેએ એક જાહેર સભામાં આ દાવો કરતાં જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મને મુખ્યમંત્રી પદની ઓફર કરી હતી. તેમણે ઉમેર્યું કે જો કે એ સમયે મારા મનમાં મુખ્યમંત્રી બનવાનો વિચાર નહોતો, અમે તો શિવસેના બાળા સાહેબના સિદ્ધાંતો થી વિરુદ્ધ જઈ રહી હોવાને કારણે બળવો કર્યો હતો.
આ અગાઉ દેવેન્દ્ર ફડણવીસે પણ તેમને ઠાકરેએ મુખ્યમંત્રી પદની ઓફર કરી હોવાનો દાવો કર્યો હતો. એ દાવાને સમર્થન આપતા એકનાથ શિંદેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે એ સમયે દિલ્હી ગયા હતા અને શિવસેનાના એક જૂથ ને બદલે આખી શિવસેનાને સાથે રાખવાની ભાજપના નેતાઓને વિનંતી કરી હતી અને તેના બદલામાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર થઈ ગયા હતા. જો કે શિવસેના ( ઠાકરે )ના પ્રવક્તા સચિન આહિરે આ દવાઓને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું કે ચૂંટણી સમયે જ છેક બે વર્ષ પછી આવા જૂઠાણા ફેલાવીને એકનાથ શિંદે લોકોને ભરમાવવા માંગે છે.
