પહલગામ આતંકી હુમલા વખતે રાજકોટના બે કપલ 3 કિ.મી. જ દૂર હતા, સદનસીબે હેમખેમ
મંગળવારે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કરી 27 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને વેકેશનના માહોલમાં જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા લોકો તેમજ તેમના પરિવારજનો ચિંતિત છે ત્યારે રાજકોટના ચાર દંપતીઓ હાલમાં કાશ્મીરમાં હોય તેમના પરિવારજનો ચિંતિત છે. જો કે, જિલ્લા કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાએ આ ચારેય દંપતીઓને ટ્રેસ કરી લીધા છે અને ચારેય દંપતી સુરક્ષિત હોવાનું તેમજ રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સતત જમ્મુ-કાશ્મીર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્કમાં હોવાનું અધિક જિલ્લા કલેકટર આલોક ગૌતમે જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ હુમલો કરી 27 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેન્જમેન્ટ શાખાએ હેલ્પલાઇન શરૂ કરી હતી જેમાં રાજકોટની પંચશીલ સોસાયટીમાં રહેતા જગદીપભાઈ રસિકભાઈ પારેખ, નીતાબેન જગદીપભાઈ પારેખ, મ્યુનિસિપલ સ્ટાફ સોસાયટી, કિશનપરા ચોક નજીક રહેતા મહેન્દ્રભાઈ મહેતા તેમજ મયુરીબેન મહેતા, 18-લક્ષ્મીવાડીમાં રહેતા કુલદીપસિંહ નકુમ તેમજ રુચીબેન નકુમ અને રાજદીપસિંહ વાઘેલા તેમજ વૈશાલીબા વાઘેલા કાશ્મીર ફરવા ગયા હોવાનું સામે આવતા જમ્મુ-કાશ્મીર સ્ટેટ ડિઝાસ્ટર મેન્જમેન્ટ સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રવાસીઓ સલામત હોવાનું કંફર્મ કરાયું હતું.
વધુમાં રાજકોટના ચાર દંપતીઓમાંથી કુલદીપસિંહ નકુમ તેમજ રુચીબેન નકુમ અને રાજદીપસિંહ વાઘેલા તેમજ વૈશાલીબા વાઘેલા તા.21ના રોજ રાજકોટથી કાશ્મીર ફરવા ગયા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું અને હાલમાં તેઓ શ્રીનગરમાં સલામત હોવાનું પણ તેમને જણાવ્યું હતું. વધુમાં જગદીપભાઈ રસિકભાઈ પારેખ, નીતાબેન જગદીપભાઈ પારેખ, મહેન્દ્રભાઈ મહેતા તેમજ મયુરીબેન મહેતા તા.19ના રોજ જમ્મુ-કાશ્મીર ફરવા ગયા હતા અને હુમલા સમયે તેઓ પહેલગામમાં જ હોવાનું તેમના પરિવારજનોએ જણાવી હાલમાં બન્ને દંપતી સલામત હોવાનું તેમજ વૈષ્ણોદેવી જવા રવાના થઇ ગયા હોવાનું તેમને જણાવ્યું હતું.