સૌરાષ્ટ્રની 71 નદીના બંને કાંઠે વૃક્ષારોપણ કરાશે: ગ્રીન કવર વધારવા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય
ઘનિષ્ઠ વૃક્ષારોપણ દ્વારા રાજ્યના ગ્રીન કવરમાં વધારો કરવાના હેતુથી સૌરાષ્ટ્રની 71 સહીત ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે, જળવાયું પરિવર્તન અટકાવી શકાશે સાથે સાથે રાજ્યમાં ઓક્સિજનમાં પ્રમાણ વધશે અને કાર્બન પ્રિન્ટમાં ઘટાડો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિર્ણય અંગે વિગતો આપતાં જણાવ્યું હતું.
વન મંત્રી અર્જુનભાઈએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, વૃક્ષ ઉછેર ઉપયોગ માટે અગાઉથી જમીનનું સિમાંકન અને GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર ચોક્કસ કરીને જરૂરિયાતવાળી જમીનની ઓળખ કરવામાં આવશે. જમીનની સ્થિતિ ખાસ કરીને સરકારી જમીન અને વણવપરાયેલી સરકારી જમીનના રેકોર્ડ્સની ચકાસણી કરી વિકાસલક્ષી પ્રાથમિકતાઓ જળવાઈ રહે તે માટે આ જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. અન્ય કોઇ હેતુ માટે આવી જમીનનો ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
આ પણ વાંચો :વાઇબ્રન્ટ સમિટ પહેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સજ્જ : પટોળાનું વેચાણ, સ્નેક બાર-રેપિડો સર્વિસનો થશે પ્રારંભ
આ કાર્યક્ષેત્ર હેઠળની જમીન પર જો દબાણ હોય તો તે દુર કરવા અંગેની કાર્યવાહી વન અને પર્યાવરણ વિભાગ/તેના તાબા હસ્તકની કચેરીએ કરવાની રહેશે. આ કાર્યક્ષેત્ર હેઠળની જમીનમાંથી ઈલેકટ્રીક લાઇન કે અન્ય પાઇપલાઇન પસાર થતી હોય તો જમીનની સ્થળ સ્થિતિ અનુસાર અન્ય કોઈ સંસ્થા-કચેરીનો અભિપ્રાય મેળવવો યોગ્ય જણાય તો સંબંધિત કચેરીનો અભિપ્રાય મેળવવાનો રહેશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, નદીઓના બન્ને કાંઠા પર ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’માં નર્મદા,તાપી, પૂર્ણા સહિત તળ ગુજરાત વિસ્તારમાં 17 નદીઓ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 71 તેમજ કચ્છ વિસ્તારમાં આવેલી સૌથી વધુ 97 નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ થકી નદીઓના બન્ને કાંઠાની જમીન ધોવાણ પણ અટકશે અને સાથે સાથે ભૂગર્ભ જળ સ્તર પણ વધુ ઊંચા આવશે.
