દિવાળીના તહેવારમાં ટ્રાવેલિંગ ‘મોંઘુ’: ટ્રેનો હાઉસફુલ, બસ અને ફલાઇટનાં ભાડા આસમાને, ટીકીટનાં ભાવ 4 ગણા વધ્યાં
દિવાળીની ઉજવણી સમગ્ર દેશભરમાં થાય છે, જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યા છે તેમ તેમ ટ્રાન્સપોર્ટ સેકટરમાં ભાડા આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને દિલ્હી, ગોવા, બેંગલોર, હૈદરાબાદ રૂટની ડિમાન્ડ વધી જતાં આ રૂટ પર 100 ટકાથી વધુ ભાવ વધારો થયો છે. રાજકોટથી દિલ્હી અને ગોવામાં અધધધ…ભાવવધારો થયો છે.
દિવાળી, છઠપૂજાનો તહેવાર દરમિયાન તમામ ટ્રેઇન, ફલાઇટ સહિતની ટિકિટોમાં માંગ વધી છે. જો કે રાજકોટથી વંદે ભારત, સૌરાષ્ટ્ર જનતા, સૌરાષ્ટ્ર મેઈલ, જમ્મુ તાવી, જબલપુર, દિલ્હી, દુરનતો સહિતની તમામ ટ્રેનો અગાઉથી હાઉસફુલ છે.
દિવાળીની રજામાં સૌરાષ્ટ્રવાસીઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતાં હોય ખાસ કરીને 18 થી 25 ઓક્ટોબર સુધી રાજકોટથી બધી ફલાઇટમાં વધુ ટ્રાફિક છે અને એરફેર પણ આસમાને છે. દિલ્હી, ગોવાની ટિકિટમાં 4 ગણો વધીને 21,000 સુધી પહોંચ્યા છે.
ખાનગી બસોમાં બેફામ ભાડા વધારો:અમદાવાદનું 1500 રૂ.ભાડું
રાજકોટથી અમદાવાદ કે અમદાવાદથી રાજકોટ,સુરત માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેફામ ભાડા વધારો થયો છે. ખાસ દિવાળી પહેલાનાં સપ્તાહમાં અમદાવાદથી રાજકોટ માટેનું ભાડું 1000થી 1500 સુધી વસુલ કરવામાં આવી રહ્યું હોય છે. અમદાવાદથી રજામાં આવતાં વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ એ એક મહિના એડવાન્સ ટીકીટ બુક કરાવી હતી જ્યારે રિટર્ન થવા માટે તગડું ભાડું લઈ લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉભી થઇ છે. રાજકોટ અને અમદાવાદ ઉપરાંત સુરત માટે એસી અને નોનએસી બસોમાં ભાડા વધારો થયો છે જે લાભપાંચમ સુધી રહેશે.
રાજકોટથી દિલ્હી 21,000 અને ગોવા 12,000
દિવાળી પર્વમાં રાજકોટથી દિલ્હી અને ગોવાની ફલાઈટમાં એરફેરમાં વધારો થયો છે. જે મુજબ તા.18 એ 14,000, તા.19 એ 12,000,તા.20એ 10,500,21 ઓક્ટોબરએ 12,500, 22મીએ 15,000 ત્યારબાદ 21,000 જેટલાં ટીકીટનાં ભાવ બતાવે છે. જ્યારે રાજકોટથી મુંબઈમાં ખાસ્સો વધારો ન થતાં 5000 થી 10,000 વચ્ચે ભાવ છે. જો કે ગોવામાં ટિકિટના ભાવ વધ્યા છે. આજે 18મીએ 15,000, 19મીએ 7000, 20મીએ 7500,21 મીએ 8600, 22મીએ 12,000 ભાવ છે.
